જામનગર તાલુકાના હાપા સામતપીર વિસ્તારમાં મોડી રાત્રે ડીજેના જોરદાર અવાજ અને ગાળાગાળી મુદ્દે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મારામારીનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પંચકોષી “એ” ડિવિઝન પોલીસ મથકમાં ચાર શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ હાપા સામતપીર વિસ્તારમાં રહેતી રેખાબેન રાજુભાઈ કરમુર પોતાના પરિવારજનો સાથે ઘર આગળ બેઠી હતી. તે દરમિયાન પડોશમાં રહેતા કેટલાક લોકો બોલેરો વાહનમાં સ્પીકર લગાવી ઊંચા અવાજે ગીતો વગાડી ડીજે કરી રહ્યા હતા. ઉપરાંત તેઓ અપશબ્દોનો પણ ઉપયોગ કરી રહ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આથી ફરિયાદીના પિતા લખનભાઈ ચંદ્રેશા તેમને સમજાવવા માટે ગયા હતા. જોકે, આ બાબતે બંને પક્ષ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. દરમિયાન ફરિયાદી તથા તેમના ભાઈ સુરજભાઈ વચ્ચે પડતાં આરોપીઓ વધુ ઉશ્કેરાઈ ગયા હતા. આરોપીઓ પૈકી એકના હાથમાં રહેલી લાકડી વડે હુમલો કરવામાં આવતા ફરિયાદીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને ત્રણથી ચાર ટાંકા લેવા પડ્યા હતા. ઉપરાંત ડાબા હાથના કાંડા પર પણ ઈજા પહોંચી હતી. બનાવ અંગે રેખાબેન કરમુરની ફરિયાદના આધારે ગોપાલભાઈ, વિપુલભાઈ, સંજયભાઈ અને પ્રવીણભાઈ માહલીયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


