જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતાં અને નોકરી કરતાં સોની યુવાનને વિશ્વાસમાં લઇ પૂર્વ આયોજિત કાવતરું રચી બજાર કરતાં સસ્તા ભાવમાં ક્રિપ્ટો કરન્સી ટ્રાન્સફર કરી આપવાની લાલચ બતાવી રૂા. 44.50 લાખની છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

છેતરપિંડીના બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર 9/2માં આવેલા સ્વરૂપ એવન્યૂની ‘બી’ વિંગમાં ફલેટ નંબર 502માં રહેતા તેજસભાઇ પ્રવીણભાઇ પટેલ (ઉ.વ.40) નામના નોકરી કરતાં સોની યુવાનને આનંદ લીલા મોઢવાડિયા નામના શખ્સે યુવાનને વિશ્વાસમાં લઇ પૂર્વ આયોજિત કાવતરું રચી બજાર કરતાં સસ્તા ભાવે યુએસડીટી (ક્રિપ્ટો કરન્સી) ટ્રાન્સફર કરવાનું કહી વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ યુવાન સહિતના અન્ય વ્યક્તિઓને ખોટા નામની ઓળખ આપી તેજસ પાસેથી તા. 08 ફેબ્રુઆરીથી રૂા. 44,50,000 મેળવી લીધાં હતાં. ત્યારબાદ વેપારી સહિતનાઓને ક્રિપ્ટો કરન્સી ટ્રાન્સફર કરી ન હતી. ત્યારબાદ યુવાન દ્વારા અવારનવાર ક્રિપ્ટો કરન્સી ટ્રાન્સફર મામલે આનંદ પાસે માંગણી કરાતાં આનંદએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આખરે કંટાળેલા યુવાનએ પંચકોષી ‘બી’ ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડીની જાણ કરી હતી. જેના આધારે પીઆઇ વી. જે. રાઠોડ તથા સ્ટાફએ તેજસના નિવેદનના આધારે છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


