જામનગર શહેર નજીક સમર્પણ નજીક આગળ માધવ ફાર્મ સામેના રોડ ક્ર્રોસ કરતા બે બહેનોને પુરપાટ આવી રહેલી કારે ઠોકરે ચડાવતા એક બહેનનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું જ્યારે એક બહેનને ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ખેતીવાડી ફાટક પાસેના કોમલ નગર સામે આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતા અને મજુરીકામ કરતા અમરીબેન તુલસીભાઇ મકવાણા (ઉ.વ.39) નામની મહિલા ગત તા.27ના ફેબ્રુઆરીના રોજ બપોરના અઢી વાગ્યાના અરસામાં સમર્પણ સર્કલ આગળ આવેલા માધવ ફાર્મની સામેનો રસ્તો તેની બહેન જશોદાબેન સાથે ક્રોસ કરતા હતાં ત્યારે પુરપાટ બેફીકરાઇથી આવી રહેલી જીજે 10 ડીઇ 7876 નંબરની કારના ચાલકે બન્ને બહેનોને ઠોકરે ચડાવ્યા હતાં. આ હિટ એન્ડ રનના બનાવમાં અમરીબેનને હાથમાં તથા આંખ પાસે ઇજાઓ થઇ હતી. અને તેની બેહન જશોદાબેન (ઉ.વ.25) નામની યુવતીને પેટમાં તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક કાર લઇને પલાયન થઇ ગયો હતો. ત્યારબાદ ઘવાયેલી બન્ને બહેનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યા જશોદાબેનનું ગુરૂવારે સારવાર દરમિયાન મોત નિપજ્યાંનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગે અમરીબેન દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ.એન. ઝાલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કાર ચાલકની ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.


