જામનગર સહિત રાજ્યભરમાં આજથી ધોરણ 10ની બોર્ડની પરિક્ષાનો પ્રારંભ થયો છે. જામનગર શહેરમાં સવારથી શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ ઉમટયા હતા. શાળાસંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક કરી, ચોકલેટ આપી સ્વાગત કરાયું હતું. ડીસીસી વિદ્યાલય ખાતે જિલ્લા ક્લેકટર તથા જિલ્લા શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરિક્ષાઓનો પ્રારંભ થયો છે. જામનગર જિલ્લામાં ધોરણ 10ની પરિક્ષા માટે કુલ નવ કેન્દ્રો અને ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)ની પરિક્ષા માટે પાંચ કેન્દ્રો તથા ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ) માટે બે કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. ધોરણ 10 માટે 577 બ્લોક પર પરિક્ષા યોજાઇ રહી છે. આજે સવારે ધોરણ 10ની પરિક્ષાનો પ્રારંભ થયો હતો. સવારે જામનગર શહેરના વિવિધ પરિક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓને મૂકવા વાલીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.
View this post on Instagram
ધોરણ 10નું આજે પ્રથમ પેપર હોય પરિક્ષા આપવા શાળાએ પહોંચેલા વિદ્યાર્થીનું શાળા સંચાલકો દ્વારા કુમ કુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગરની ડીસીસી વિદ્યાલય ખાતે જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કર તથા જામનગર જિલ્લા શિક્ષણાધિકારી વિપુલભાઇ મહેતા ઉપસ્થિત રહ્યાં હતાં અને વિદ્યાર્થીઓને પરિક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પરિક્ષા આપી શકે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ સમગ્ર પ્રક્રિયા સુચારૂરૂપે પાર પડે તે માટે અંદાજે 1700 જેટલા કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી છે. આજે ધોરણ 10માં પ્રથમ ભાષાનું પેપર લેવાયું હતું. જ્યારે બપોરબાદ ધોરણ 12ની પરિક્ષાનો પ્રારંભ થશે.


