ધરારનગર-1 વિસ્તારમાં આવેલા કોલેરા કેસોને ઘ્યાને લઇ તંત્ર સજાગ થયું છે. આ વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ કામગીરી ચાલી રહી છે. તેમજ પાઇપલાઇન લીકેજ તથા વાલ્વ લીકેજ, સમારકામ સહિતની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
જામનગરના ધરારનગર-1 (વોર્ડ નં.1) વિસ્તારમાં ઝાડા-ઉલટીના કેસો નોંધાતા જામનગર મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. ગત 8 ફેબ્રુઆરીના રોજ સોશ્યલ મીડીયા અને જી.જી. હોસ્પિટલ દ્વારા પ્રાપ્ત માહિતીના આધારે મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ આરોગ્ય, વોટર વર્કસ, ડ્રેનેજ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ એમ ચાર વિભાગોની સંયુકત ટીમો દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
View this post on Instagram
વિસ્તારમાં 27 સર્વે ટીમો દ્વારા શરૂ કરાયેલ હાઉસ-ટુ-હાઉસ તપાસ વધારીને 41 ટીમો કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 9,113 ઘરોનો સર્વે પુર્ણ કરી 1,30,775 કલોરીન ટેબ્લેટસ અને 3,046 ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. વિસ્તારમાં 4 કામચલાઉ ઓપીડી કાર્યરત કરી 429 દર્દીઓની તપાસ કરવામાં આવી જેમાંથી 105 ઝાડા-ઉલટીના દર્દીઓને સ્થળ પર જ સારવાર અપાઇ છે. હાલની સ્થિતિએ કુલ 39 દર્દીઓ દાખલ છે, જેમાંથી 20 પોઝીટીવ છે અને 26 દર્દીઓને રજા આપવામાં આવી છે. છેલ્લા 36 કલાકમાં એક પણ નવો શંકાસ્પદ કેસ નોંધાયેલ નથી. વોટર વર્કસ વિભાગ દ્વારા પાઇપલાઇનમાં 3 લીકેજ અને 2 વાલ્વ લીકેજનું સમારકામ કરવામાં આવ્યું છે. ડ્રેનેજ ચેમ્બરમાંથી પસાર થતાં 11 ગેરકાયદેસર પાણીના જોડાણો શોધીને તાત્કાલીક કાપી નાખવામાં આવ્યા છે.
સમગ્ર લાઇનને 5 પીપીએમ કલોરીન યુકત પાણી સાફ કર્યા બાદ નળ વાટે પાણી પુરવઠો ફરી શરૂ કરાયો છે અને કલોરીનેશનનું સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા 50 સફાઇ કામદારોની ટીમ સાથે દરરોજ 1000 કિલો જંતુનાશક પાવડરનું ડસ્ટિંગ અને સફાઇ કરવામાં આવી રહી છે.
ફૂડ વિભાગ દ્વારા પાણીપુરી અને આઇસ ગોલા જેવા જોખમી વિક્રેતાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આઇસ ફેકટરી અને આરઓ પ્લાન્ટના નમૂના લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. વિસ્તારમાં રીક્ષા એનાઉન્સમેન્ટ, પત્રિકા વિતરણ અને મસ્જિદના લાઉડસ્પીકર દ્વારા લોકોને પાણી ઉકાળીને પીવા તથા કલોરીન ટેબ્લેટનો ઉપયોગ કરવા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી જ્યાં સુધી પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે. નાગરીકોને ગભરાવાને બદલે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવે છે.


