જામનગર શહેરમાં વામ્બે આવાસ રોડ ઉપર પિતાજીને 15 દિવસ પહેલાં માર માર્યાનો ખાર રાખી પુત્ર સહિતના ચાર શખ્સોએ રિક્ષાચાલક ઉપર તલવાર, પાઇપ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ બનાવની મળતી વિગત મુજબ લાલપુર તાલુકાના સેતાલુસ ગામના વતની અને હાલ જામનગર શહેરમાં વામ્બે આવાસ રોડ પર ત્રણ માળિયા આવાસમાં રહેતાં કાદરમિયા દાઉદમિયા મુલ્લા (ઉ.વ.26)ના મિત્ર સાગર માણેક સહિતનાઓએ કામિલ મકરાણીના પિતા પંદરેક દિવસ પહેલાં માર માર્યો હતો. તે બાબતનો ખાર રાખી શુક્રવારે રાત્રિના સમયે કામિલ મકરાણી અને તેનો ભાઇ તથા તન્વીર મકરાણી, કાલાણી મકરાણી સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી તલવાર અને લોખંડના પાઇપ સાથે આવી કાદરમિયા દાઉદમિયા મુલ્લા નામના યુવાન ઉપર તલવાર અને પાઇપના આડેધડ ઘા ઝિંકી હુમલો કર્યો હતો. તેમજ ઢીકાપાટુનો માર મારી શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ યુવાનને પતાવી દેવાની ધમકી પણ આપી હતી.
હુમલાના બનાવામાં ઘવાયેલા કાદરમિયા નામના યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ એન. એન. ઝાલા તથા સ્ટાફએ ઇજાગ્રસ્તના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂદ્ધ હુમલાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


