જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાંથી પીજીવીસીએલની ટીમે વધુ રૂા.41.55 લાખની વીજચોરી ઝડપી લીધી હતી. આ સાથે બે દિવસમાં કુલ 80 લાખની વીજચોરી ઝડપી લેતાં વીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
વીજચોરીના દૂષણને ડામવા પીજીવીસીએલના અધિક્ષક ઈજનેરના માર્ગદર્શન હેઠળ પીજીવીસીએલની ટીમ દ્વારા જામનગર શહેરમાં છેલ્લાં બે દિવસથી વીજચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત મંગળવારે પીજીવીસીએલની 48 જેટલી ટીમો દ્વારા 15 એસઆરપી તથા પોલીસ બંદોબસ્ત સાથે શહેરના બેડેશ્વર, ધરારનગર, વામ્બે આવાસ, નિલકમલ સોસાયટી, વાંઝાવાસ, ગુલાબનગર, રવિપાર્ક, બેડી સહિતના વિસ્તારો તથા શંકરટેકરી જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં વીજચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં કુલ 600 જોડાણો ચેક કર્યા હતાં જે પૈકી 92 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપાતા કુલ રૂા.41.55 લાખના બીલ ફટકારવામાં આવ્યા હતાં. આમ કુલ બે દિવસમાં 80 લાખની વીજચોરી ઝડપાઈ હતી.