ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે રહેતા એક ધરતીપુત્રએ ગઈકાલે શુક્રવારે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પવનચક્કીના થાંભલાના કારણે તેમને ઉભા પાકમાં થયેલા નુકસાનીનું વળતર ન થતાં મળતાં તેમણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે રહેતા ગઢવી નગાભાઈ ડાડુભાઈ સંધીયાના ખેતરમાં થોડા દિવસ પૂર્વે પવનચક્કીનો એક થાંભલો આગના કારણે ધરાશાયી થયો હતો. આ બનાવ બનતા ખેતરમાં રહેલા મગફળીના પાકને વ્યાપક નુકસાની થવા પામી હતી. આ પછી ખેડૂત પરિવારને કોઈ મળવાપાત્ર વળતર મળ્યું ન હતું. પવનચક્કીના થાંભલામાં લાગેલી આગ તેમજ ખેડૂતની જમીનમાં થયેલી નુકસાનીનું વળતર ન મળવા ઉપરાંત તેમના ખેતરમાં પોલીસ પ્રોટેક્શન સાથે પવનચક્કીની કંપની દ્વારા બળજબરીપૂર્વક કામગીરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ ખેડૂત પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો.
આ પરિસ્થિતિ વચ્ચે શુક્રવારે બપોરે નગાભાઈ ડાડુભાઈ ગઢવીએ પોતાના હાથે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને ગંભીર હાલતમાં અહીંની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે અહીંની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે પોલીસમાં જાણ પણ કરવામાં આવી છે.
આ મુદ્દે ગુજરાત કિસાન કોંગ્રેસ સમિતિના અગ્રણી અને ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા એક નિવેદનમાં જણાવ્યું હતું કે – ‘વીન્ડફાર્મ કંપનીઓને રાજ્ય સરકારે જાણે બેલગામ કરી દિધી હોય તેવું લાગે છે. આજે નાના આસોટાના ખેડૂતે કંપનીના કથિત ત્રાસથી દવા પીવા મજબુર થવું પડ્યું. ગત તા. 8 ના રોજ રાજપરા ગામે ખેડૂત પરિવારના એક મહિલાએ આ જ કંપનીના ત્રાસથી દવા પી લીધી હતી.’
કંપનીની પવનચકી પડી જવી આનાથી મોટી બેદરકારી શું હોઈ શકે ? અગાઉ દાત્રાણા ગામે બે વખત પવનચક્કી ના પાખીયા તૂટીને ખેડૂતના ખેતરમાં પડવાની ઘટના બની હતી. ત્યારે સવાલ એ થાય છે કે શું ખાનગી કંપનીઓને પવનચક્કી ખાનગી માલિકીની જગ્યાથી કેટલે દૂર ઉભી કરવી તેની કોઈ ગાઈડ લાઇન નહિ હોય ? શું સરકાર લોકોના જીવ જોખમમાં મૂકીને પવનચક્કી ઉભી કરવાની સત્તા આપતા હશે ? જો ગાઈડ લાઇન હોય તો પવનચક્કી કે તેનું પાખીયું ખેડૂતના ખેતરમાં આવે જ કેમ ? તેવા સવાલો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા છે.
પવનચક્કી ઉભી કરતી કંપનીઓ જાણે નિયમો ઘોળી ને પી જાય છે. સરકાર અને તંત્ર મુક પ્રેક્ષક બનીને બેસી રહે છે. એટલું જ નહીં, નિયમો તોડવામાં જાણે પ્રશાસન પોલીસ પ્રોટેક્શન આપીને સાથ સહકાર આપે છે એટલે છાસવારે ખેડૂતો પર દમન થઈ રહ્યું છે. તેઓ પણ આક્ષેપ ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા દ્વારા કરવામાં આવ્યો છે.