જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદેસર મુસાફરોની હેરાફેરી કરતાં વાહનચાલકો વિરૂદ્ધ ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી અંતર્ગત પોલીસે 14 ઇકો કાર, એક મિની બસ અને એક અર્ટીગા કાર મળી કુલ 16 વાહનો ડીટેઇન કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ગેરકાયદેસર મુસાફરોને વાહનમાં હેરાફેરી કરતા વાહનચાલકો ઉપર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એસ. વી. ચૌધરી, પીએસઆઇ એ. એચ. ચોવટ, આર. સી. જાડેજા તથા સ્ટાફે એસટી વિભાગના એસએસઆઇ એસ. બી. લખતરિયા તથા સ્ટાફ સાથે જામનગરના ખોડિયાર કોલોની રોડ પર સંતોષી માતાજીના મંદિર પાસે તથા સુભાષ બ્રીજ અને સાત રસ્તા સર્કલ પાસે ચેકિંગ દરમ્યાન મુસાફરોની હેરાફેરી કરતાં 14 ઇકો કાર, એક મિની બસ અને એક અર્ટીગા કાર સહિત 16 વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી વાહનો ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


