એસઓજી પોલીસે જાંબુડા પાટીયા ખીજડીયા બાયપાસ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી રેઈડ દરમિયાન રોયલ્ટી વગર તથા ઓવરલોડ રેતી ભરેલા 13 જેટલા ટ્રકો ઝડપી લીધા હતા તેમજ ધ્રાંગડા ગામના પાટીયા પાસેથી બિનવારસુ હાલતમાં પડેલ 350 ટન રેતીનો ઢગલો સહિત કુલ 700 ટન રોયલ્ટી વગરના રેતીના જથ્થાને પકડી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા જામનગર જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રેતીનું ખનન અટકાવવા સૂચના આપી હતી. જેને લઇને એસઓજીના પીઆઈ બી એન ચૌધરી તથા પીએસઆઈ એલ. એમ. ઝેર, એસઓજી સ્ટાફ ખાણખનિજ ટીમને સાથે રાખી જામનગર જિલ્લાના પંચ એ, પંચ બી, ધ્રોલ તથા જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ ટીમો બનાવી રોયલ્ટી વગર તથા ઓવરલોડ રેતી ભરેલ ટ્રકોની વોચમાં હતાં આ દરમિયાન પંચ એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખીજડિયા બાયપાસ, જાંબુડા પાટીયા વગેરે વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન રોયલ્ટી વગર તથા ઓવરલોડ રેતી ભરેલ કુલ 8 ટ્રકો, પંચ બી ડીવીઝન હેઠળના ઠેબા ચોકડી, મોરકંડા પાટીયા વગેરે જગ્યાએથી પણ બે ટ્રકો તથા જોડિયા પોલીસ સ્ટેશનના હડિયાણા ગામ પાસેથી ત્રણ ટ્રકો સહિત કુલ 13 ટ્રકો રોયલ્ટી વગર તથા ઓવરલોડ રેતી ભરેલી ઝડપી લીધી હતી.
આ ઉપરાંત ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધ્રાંગડા ગામના પાટીયા પાસેથી બિનવારસુ હાલતમાં પડેલ આશરે 350 ટન રેતીનો ઢગલો મળી ઉપરોકત ટ્રકો તથા રેતીના ઢગલા સહિત 700 ટન રોયલ્ટી વગરના રેતીના જથ્થાને ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે ભુસ્તરશાસ્ત્રી ખાણખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. રેતી ખનનની કાર્યવાહીને લઇ આવા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.


