જામનગર તાલુકાના સીક્કા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રૂા.1,03,500 ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરના કડિયાવાડ વિસ્તારમાં જાહેરમાં વર્લીના આંકડા લખતા શખ્સને રૂા.16,710 ની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધો હતો. જામનગર શહેરના સાંઢીયા પુલ નજીકથી તીનપતિનો જૂગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોને રૂા.10,800ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતો મુસ્તાક હાજી જાનમામદ મેપાણી બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન મુસ્તાક હાજી જાનમામદ મેપાણી, આમીન હુશેન અલવાણી, મહોસીન જુનુસ ગંઢાર, ઈસાક હાસમ બારોયા, કપીલ દિપક સાયન અને સુખદેવસિંહ વિરાજી જાડેજા નામના છ શખ્સોને રૂા.101500 ની રોકડ રકમ તેમજ 2000 નો એક મોબાઇલ અને ગંજીપના મળી કુલ રૂા.103500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ સામે જૂગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના કડિયાવાડ વિસ્તારમાં જાહેરમાં વર્લીના આંકડા લખતા ચંદુલાલ બાબુલાલ ખેતાણી નામના શખ્સને પોલીસે દરોડા દરમિયાન રૂા.11710 ની રોકડ અને મોબાઇલ સહિતના વર્લીના સાહિત્ય મળી કુલ રૂા.16710 નો મુદદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરમાં સાંઢીયા પુલ પાસે આવેલા યોગેશ્ર્વરનગર વિસ્તારમાં જાહેરમાં જૂગાર રમતા શેરબાજ ઉર્ફે સેરિયો અલ્તાફ ખીરા, રઘુ મંગા મોભેરા અને ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોને પોલીસે રૂા.10800 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.