“જ્યાં અન્નનો ટુકડો, ત્યાં હરિ ટુકડો” સંત શિરોમણી શ્રી જલારામ બાપાના આ અમર જીવનમંત્ર અને “માનવ સેવા એ જ પ્રભુ સેવા”ના ઉમદા ભાવને સાર્થક કરતું એક અનોખું સેવાકાર્ય એમ.ડી. નથવાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. આજની ભાગદોડભરી જિંદગીમાં જ્યારે માણસ પાસે પોતાના માટે પણ સમય નથી, ત્યારે આ ફાઉન્ડેશન સંચાલિત ‘જલારામ નિઃશુલ્ક ભોજનાલય’ જરૂરિયાતમંદો અને શોકગ્રસ્ત પરિવારો માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ બની રહ્યું છે.
માતાજીની ભક્તિ અને શક્તિના પર્વ એવા નવરાત્રીના પહેલા નોરતાથી આ પવિત્ર અન્નસેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ટ્રસ્ટના સ્થાપક પાર્થભાઈ નથવાણીને આ સેવાયજ્ઞ શરૂ કરવાની પ્રેરણા તેમના દાદીમા પાસેથી મળી હતી. તેમના દાદીમાનો એવો નિયમ અને સંસ્કાર હતા કે તેમના ઘરે આવેલું કોઈ પણ વ્યક્તિ ક્યારેય ભૂખ્યું ન જવું જોઈએ દરેકને પ્રેમપૂર્વક જમાડીને જ વિદાય આપતા. દાદીના આ જ ઉમદા સંસ્કારોને સમાજમાં જીવંત રાખવાના હેતુથી પાર્થભાઈએ આ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે.
View this post on Instagram
આ ભોજનાલયમાં દરરોજ અંદાજે સો થી સવા સો જેટલા લોકો પ્રેમપૂર્વક પ્રસાદ ગ્રહણ કરે છે. આ ઉપરાંત, જે લોકો ભોજનાલય સુધી આવી શકતા નથી તેવા જરૂરિયાતમંદો માટે દરરોજ અંદાજે ૩૦ જેટલા ટિફિન પણ પહોંચાડવામાં આવે છે.જ્યારે કોઈ પરિવાર પર દુઃખદ બનાવ કે આફત આવી પડે, ત્યારે શોકના માહોલમાં ઘરમાં ચૂલો સળગાવવો મુશ્કેલ હોય છે. આવા કપરા સમયે જો ફાઉન્ડેશનને જાણ કરવામાં આવે, તો તેમના દ્વારા શોકગ્રસ્ત પરિવારના ઘર સુધી ગરમાગરમ ભોજન પહોંચાડી આપવાની અત્યંત સંવેદનશીલ સેવા પણ પૂરી પાડવામાં આવે છે.આ નિઃશુલ્ક ભોજન સેવાનો લાભ લેવા, દુઃખદ પ્રસંગે ભોજનની વ્યવસ્થા માટે જાણ કરવા અથવા આ સેવાકાર્ય અંગે વધુ માહિતી મેળવવા માટે 9624317694 પર સંપર્ક કરી શકાય છે.
પરિવારના વડીલો તરફથી મળેલા સંસ્કારો જ્યારે સામાજિક સેવાનું સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે સમાજમાં માનવતાની સુવાસ ફેલાય છે. પાર્થભાઈ નથવાણી અને એમ.ડી. નથવાણી ફાઉન્ડેશનની આ પહેલ માત્ર ભૂખ્યાને ભોજન આપવાનું જ નહીં, પરંતુ દુઃખના સમયે એક પરિવારજન બનીને સાથે ઊભા રહેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહી છે. ખરા અર્થમાં આ પ્રયાસ જલારામ બાપાના અન્નક્ષેત્રની પરંપરાને આગળ ધપાવી રહ્યો છે.


