ગુજરાતમાં 2022 વિધાનસભાની ચુંટણીની તૈયારીઓ શરુ થઇ ગઈ છે અને ચુંટણીપંચ દ્વારા આગામી દિવસોમાં ચુંટણીની તારીખ જાહેર કરવામાં આવશે. પરંતુ આ તારીખો જાહેર થાય તે પહેલાજ રાજ્યમાં ચુંટણીનો ધમધમાટ અને રાજકીય પક્ષો દ્વારા સેન્સ પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. જેમાં ભાજપ દ્વારા જામનગર જીલ્લાની બેઠકો માટે સેન્સ પ્રક્રિયા દરમ્યાન અનેક દાવેદારોએ ટીકીટની માંગણી કરી છે.
2022 વિધાન સભા ચુંટણીની ગુજરાતમાં તૈયારીઓ શરુ થઇ ગઈ છે ચુંટણીપંચ દ્વારા નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચુંટણીની તારીખો જાહેર કરાય તેવી શક્યતાઓ છે આ તારીખો જાહેર થયા બાદ આચારસંહિતા લાગુ થઇ જશે આ પૂર્વે રાજકીય પક્ષો દ્વારા 182 બેઠક માટેના તેમના ઉમેદવારો નક્કી કરવાની તૈયારીના ભાગ રૂપે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા સેન્સ પ્રકિયા શરુ કરીદેવામાં આવી છે. જેમાં જુદાજુદા ચાર ઝોનમાં સેન્સ પ્રકિયા અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનમાં જામનગર શહેર અને જીલ્લાની તથા દેવભૂમિ દ્વારકા, રાજકોટ શહેર અને જીલ્લો, મોરબી, જુનાગઢ શહેર અને જીલ્લો, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર શહેર અને જીલ્લો, બોટાદ અને સુરેન્દ્રનગરમાં નિરિક્ષકો ચુંટણીના ઉમેદવારોની પ્રક્રિયા માટે સેન્સ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જેમાં જામનગરની 78 વિધાનસભામાં ઉમેદવારો નક્કી કરવા માટે દાવેદારોની સેન્સ પ્રક્રિયા અંતર્ગત આ વિધાનસભા બેઠક માટે જયદ્રથસિંહ પરમાર, ડો. પ્રદ્યુમનભાઈ વાજા, મધુબેન પટેલ નિરિક્ષકો દ્વારા ગત ટર્મના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા) અને જીતુભાઈ લાલ, લગધીરસિંહ જાડેજા, આર.ટી. જાડેજા, નરેશ કણજારીયા, માવજીભાઈ નકુમ સહિતના દાવેદારો દ્વારા બેઠક માટે ટીકીટની માંગણી કરવામાં આવી હતી.
જયારે 79 વિધાનસભા બેઠકમાં ગત ટર્મના ધારાસભ્ય આર.સી.ફળદુ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વસુબેન ત્રિવેદી, જીતુભાઈ લાલ, શેતલબેન શેઠ, ગીરીશભાઈ અમેથીયા, હસમુખ પેઢડિયા, પ્રકાશ બાંભણીયા, કોર્પોરેટર ગોપાલ સોરઠીયા, પૂર્વ ડે. મેયર મંજુલાબેન હીરપરા, પ્રીતીબેન શુક્લા, કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ, મનીષાબેન મહેતા, પૂર્વ કોર્પોરેટર ચંદુભાઈ કાછડિયા સહિતના 19 દાવેદારોએ ટીકીટની માંગણી કરી છે. જયારે કાલાવડની બેઠક માટેની સેન્સ પ્રકિયા શરુ થઇ છે જેમાં પૂર્વ ધારાસભ્યો અને જુદાજુદા સમાજના આગેવાનો દ્વારા દાવેદારી નોંધવામાં આવી રહી છે.
82 દ્વારકા વિધાનસભા બેઠકમાં ઉમેદવાર નક્કી કરવા જયસિંહ ચૌહાણ, મહેશભાઈ કસવાલા અને રક્ષાબેન બોળિયા સહિતના નિરિક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.