કોંગ્રેસની ન્યાયયાત્રામાં સરકાર પર પ્રહાર જામનગર શહેર અને જિલ્લામાં કોવિડ-19 ન્યાય યાત્રા બાદ કોંગ્રેસે આ સમગ્ર યાત્રા દરમિયાન પ્રાપ્ત થયેલો ગંભીર ચિતાર રજૂ કર્યો છે.
જેમાં કોરોના પિડીતોની વ્યથા તેમજ સરકારની સદંતર નિષ્ફળતાને ઉજાગર કરવામાં આવી છે. ન્યાય યાત્રાનો સારાંશ રજૂ કરવા માટે કોંગ્રેસે આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કોરોના મૃતકોના પરિજનોને રૂા. 4 લાખનું વળતર આપવાની માગણી કરવામાં આવી છે. કોવિડ ન્યાય યાત્રાનો અહેવાલ રજૂ કરતાં ધારાસભ્ય વિક્રમ માડમે જણાવ્યું હતું કે, સરકાર અસત્યનો સહારો લઇને પોતાની જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયાસ કરી રહી છે. એકલા જામનગર જિલ્લામાં જ કોરોનાના કારણે સાડા ચાર હજારથી વધુ લોકોના મોત થયા હોવા છતાં સરકારી ચોપડે માત્ર 207 મોત જ જાહેર કરવામાં આવ્યા છે. આમ કોઇપણ દ્રષ્ટિએ રાજ્ય સરકાર સંવેદનશિલ હોય તેમ જણાતું નથી. તેમણે કહ્યું કે, માનવીના જીવનનું કોઇ મૂલ્ય હોતુ નથી. ખૂબ જ અમૂલ્ય હોય છે.
ગઇકાલે સુપ્રિમકોર્ટમાં સરકારે કોરોના મૃતકોના પરિજનોને રૂા. 50,000નું વળતર આપવા જણાવ્યું છે. માનવીના જીવન સામે આ રકમ ખૂબ જ અલ્પ છે. જે લોકોના કોરોનાથી મોત થયા છે. તેમની ખોટ ક્યારેય ભરપાઇ કરી શકાય તેમ નથી. પરંતુ પરિજનો મુશ્કેલીના સમયમાં જીવન નિર્વાહ કરી શકે તે માટે ઓછામાં ઓછું 4 લાખનું વળતર મળવું જોઇએ. તેવી કોંગ્રેસની માગણી છે. આ માગણીને લઇને કોંગ્રેસ દ્વારા સતત લડત ચલાવવામાં આવી રહી છે અને આગામી સમયમાં પણ લડત ચાલુ રહેશે. સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં 1000થી વધુ મૃતક પરિવારના ફોર્મ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભરવામાં આવ્યા છે. આ તકે વિક્રમ માડમે રાજ્ય સરકાર પર ગુનાહિત બેદરકારી અને અણધડ વહીવટીના આક્ષેપો પણ કર્યા હતાં. પછી તે ઇન્જેકશનના કાળાબજાર હોય, ઓક્સિજનનો અભાવ, એમ્બ્યુલન્સનો અભાવ, અંતિમક્રિયાઓ માટે મુશ્કેલી તમામ મોરચે સરકાર નિષ્ફળ ગઇ છે. જો સરકાર તાત્કાલિક અસરથી વળતરની માગણી સ્વિકારશે નહીં તો આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા આક્રમક રીતે લડત આપવામાં આવશે. આ પત્રકાર પરિષદ સમયે વિક્રમ માડમ સાથે વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા), જેનબબેન, અલ્તાફ ખફી, રચના નંદાણીયા, ભીખુભાઇ વારોતરીયા, આનંદ રાઠોડ, ભરત વાળા, નુરમામદ પલેજા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.