Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતરાજકિય મેળાવડામાં 400 વ્યકિત, લગ્નપ્રસંગમાં 150 વ્યકિતને મંજૂરી પાછળ સરકારનું લોજિક શું…?

રાજકિય મેળાવડામાં 400 વ્યકિત, લગ્નપ્રસંગમાં 150 વ્યકિતને મંજૂરી પાછળ સરકારનું લોજિક શું…?

- Advertisement -

કોરોના ઢીલો પડતાં રાજયસરકાર દ્વારા નિયંત્રણોમાં પણ ઢીલ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. શનિવારથી રાજયમાં અમલમાં રહેલાં કોરોના નિયંત્રણોમાં વધુ છૂટછાટો જાહેર કરવામાં આવી છે. જે અનુસાર રાજકીય ધાર્મિક કાર્યક્રમોમાં 400 વ્યકિતઓને એકત્ર થવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતું લગ્નપ્રસંગમાં સામાજીક કાર્યક્રમ નહીં ગણી માત્ર 150 વ્યકિતઓની મર્યાદા યથાવત રાખવામાં આવી છે.રાજય સરકારના આ નિર્ણયને લઇને લોકોમાં આશ્ચર્ય સાથે રોષ અને નારાજગીની લાગણી જોવા મળી રહી છે. અન્ય સામાજીક રાજકીય કાર્યક્રમમાં 400 વ્યકિત અને લગ્નમાં 150 વ્યકિતને મંજૂરી આપવા પાછળ રાજયસરકારનો શું તર્ક છે તે લોકો સમજી શકયા નથી. આ નિર્ણયને લઇને અનેક પ્રશ્નો પણ ઉપસ્થિત થયા છે.ત્યારે સરકાર અથવા તો સરકારના તજજ્ઞો દ્વારા આ અંગેનું લોજિક સમજાવવું જરૂરી બન્યું છે.

- Advertisement -

દરેક માતા-પિતાની ઇચ્છા પોતાના પુત્ર અથવા તો પુત્રીને ધામધૂમથી પરણાવવાની હોય છે. પરંતુ છેલ્લાં દોઢ વર્ષથી કોરોના સંક્રમણ અને તેને પગલે આવી પડેલાં લોકડાઉન અને નિયંત્રણોને કારણે માતા-પિતા પોતાની ઇચ્છા પૂર્ણ કરી શકયાં નથી. હવે જયારે રાજયમાં કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવ્યું છે. અને રાજય સરકાર દ્વારા નિયંત્રણોમાં વધુમાં વધુ છૂટ આપવામાં આવી રહી છે. ત્યારે ખુબ જ મહત્વના એવાં સામાજીક પ્રસંગો જેવાં કે, લગ્ન અને અંતિમક્રિયામાં જ નિયંત્રણો શા માટે તેવો પ્રશ્ન લોકોના મનમાં ઉઠયો છે. એક તરફ સરકાર દ્વારા રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક મેળાવડાઓમાં 400 વ્યકિતઓને એકત્ર થવાની મંજૂરી આપવામાં આવી છે. તો બીજી તરફ લગ્ન પ્રસંગને સામાજીક મેળાવડાથી અલગ તારવી આ પ્રસંગમાં માત્ર 150 વ્યકિતઓને એકત્ર થવાની મંજૂરી આપવામાં આવી છે અને તે પણ અગાઉ નોંધણી કરાવ્યા બાદ! સરકારના આ નિર્ણય પાછળનું લોજિક જાહેર કરવામાં આવ્યું નથી તો શું અન્ય મેળાવડાઓની સરખામણીએ લગ્ન પ્રસંગમાં કોરોના સંક્રમણનું જોખમ વધુ રહે છે?! શું લગ્ન પ્રસંગમાં કોરોનાની ગાઇડલાઇન અને નિયત એસઓપીનું પાલન કરી શકાતું નથી? રાજકિય-ધાર્મિક કાર્યક્રમોમાં 400 વ્યકિતઓ એકત્ર થવા છતાં શું કોરોનાનું જોખમ ઓછું છે. અથવા તો આવા કાર્યક્રમોમાં ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે? રાજકીય પક્ષોના કાર્યક્રમોમાં ગાઇડલાઇનના કેવા પ્રકારે ધજાગરા ઉડે છે તે આપણે અનેક વખત જોઇ-જાણી ચૂકયા છીએ. છતાં પણ સરકારને લગ્ન પ્રસંગ કરતાં આવા કાર્યક્રમોની અગત્યતા વધુ હોય તેવું આ નિર્ણય પરથી સમજાય રહ્યું છે.

ઘણાં લાંબાં સમયથી રાજયના અનેક પરિવારો પોતાના પરિવારના લગ્ન પ્રસંગ મોકૂફ રાખી ચૂકયા છે અથવા તો ધામધૂમથી ઉજવવા માટે યોગ્ય સમયનો ઇંતજાર કરી રહ્યા છે. ત્યારે સરકારની આ પ્રકારની નીતિએ આવા પરિવારોના સ્વપ્ન અને મહેચ્છાઓને કોઇપણ પ્રકારના તર્ક વગર ફટકો પહોંચાડયો છે. રાજય સરકારે બહાર પાડેલાં નોટીફિકેશનમાં લગ્ન પ્રસંગ અને અંતિમક્રિયામાં વ્યકિતઓની ઉપસ્થિતિની મર્યાદાનો મુદ્દો સમગ્ર રાજયમાં ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે સરકાર પોતાના નિર્ણયને યથાર્થ ઠેરવતો તર્ક રજૂ કરે તે આવશ્યક બન્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular