જામનગર શહેર-જિલ્લામાં ભારે વરસાદને કારણે જળાશયોમાંથી પાણી મેળવવામાં ઉભી થયેલી સમસ્યાને કારણે શહેરમાં પાણી વિતરણ અસ્તવ્યસ્થ થયું છે. બે દિવસથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ થઈ શકયું નથી. જેના કારણે શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને ખીજડિયા ફિલ્ટ્રેશન પ્લાન્ટ અને સમ્પમાં પૂરના પાણી ઘુસી જતાં મશીનરીને લાખોનું નુકસાન થયું છે. આ પ્લાન્ટ સંપૂર્ણપણે ઠપ્પ થઈ જતાં અહીંથી પાણી વિતરણ ખોરવાઈ ગયું છે. જામ્યુકોના વોટરવર્કસ વિભાગ દ્વારા તાકીદે પ્લાન્ટ અને સમ્પનું સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
જ્યારે પાણીમાં ડૂબી ગયેલી મશીનરીની મરામત પણ હાથ ધરવામાં આવી હોવાનું વોટરવર્કસ વિભાગના કાર્યપાલક ઈજનેર પી.સી.બોખાણીએ જણાવ્યું છે. શહેરમાં પાણી વિતરણ નિયમિત કરવા માટે યુદ્ધસ્તરે કામગીરી કરવામાં આવી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. શહેરના સોલેરિયમ, બેડી અને નવાગામ ઈએસઆર હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલ સાંજ સુધી પાણી વિતરણ થઈ શકશે નહીં. શહેરના શંકરટેકરી ઈએસઆર હેઠળના વિસ્તારોમાં હાલ રાબેતામુજબ પાણી વિતરણ કરવામાં આવી રહ્યું હોવાનું પણ જણાવાયું છે. આમ ભારે વરસાદને કારણે જામનગર શહેરની પાણી વિતરણ વ્યવસ્થા ડામાડોળ બની છે જેને પાટે ચડાવવા માટે ભરપુર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.