જામનગરના બેડી વિસ્તારમાં આજે પીજીવીસીએલની બેદરકારીના કારણે માસુમ બાળાનો ભોગ લેવાયો હતો. આ વિસ્તારમાં પીજીવીસીએલના પાપે અનેક વીજ થાંભલાઓ જોખમરૂપે જોવા મળી રહ્યા છે. જેને લઇ આ વિસ્તારના રહેવાસીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
જામનગરના બેડીમાં આજે પીજીવીસીએલનો થાંભલો પડતાં 8 વર્ષની બાળાનો ભોગ લેવાયો હતો. આ વિસ્તારમાં પીજીવીસીએલની બેદરકારી જોવા મળી રહી છે. આખા વોર્ડમાં અનેક સ્થળોએ આવા વીજપોલ નીતિનિયમો નેવે મુકી ઉભા કરી દેવામાં આવ્યા છે. જેનું જોખમ તોડાઇ રહ્યું છે. વોર્ડ નં.1માં પીજીવીસીએલ દ્વારા લગાવાયેલા માત્ર માટી નાખી વીજપોલ ઉભા કરી દેવામાં આવે છે. માત્ર બે ફુટના ખાડા કરી માટી અને પથ્થર નાખી દેવામાં આવે છે અને વીજપોલના ખાડા બુરી દેવામાં આવે છે. જેના કારણે વીજપોલ યોગ્ય રીતે ફીટ થતાં નથી. કોન્ટ્રાકટરની આ ગેરરીતી અંગે પીજીવીસીએલ દ્વારા ચેકીંગ કરવામાં આવતું નથી કે પગલા લેવામાં આવતા નથી તેમ આ વિસ્તારના લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે.
ઉલ્લેખનિય છે કે, શહેરના જુદા-જુદા વિસ્તારોમાં વીજતંત્રના જોખમી થાંભલાઓ અને લટકતા વાયરોને કારણે નાના મોટા અકસ્માતો બનતા રહે છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં શોર્ટસર્કીટ અને વીજકરંટથી અકસ્માતોના બનાવ સામે આવે છે. ત્યારે વોર્ડ નં.1માં પીજીવીસીએલના પાપે માસુમ બાળાનો ભોગ લીધો છે. વોર્ડ નં.1માં પીજીવીસીએલ અને કોન્ટ્રાકટરની બેદરકારીના પરિણામે ઠેકઠેકાણે આવા જોખમી થાંભલાઓ જોવા મળી રહ્યા છે કે જેમાં યોગ્ય રીતે ખાડા કરીને વીજપોલ ઉભા કરવામાં આવ્યા નથી.
વોર્ડ નં.1માં હજુ અનેક વીજપોલ જોખમરૂપી
પીજીવીસીએલ અને કોન્ટ્રાકટરની બેદરકારીને કારણે લોકોમાં રોષ