જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં આવેલા ઔદ્યોગિક એકમમાં સબસીડીવાળા રાસાયણિક ખાતર નીમકોટેડ ખાતરનો ઉપયોગ ખેતીના બદલે ઔદ્યોગિક એકમમાં કરાયાનું ખુલતા નાયબ ખેતી નિયામકે જામનગરના પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.
આ અંગેની વિગત મુજબ, ખેતીના ઉપયોગમાં લેવામાં આવતા સબસીડીવાળા રાસાયણિક ખાતર નીમકોટેડ યુરીયાનો ખેતીના વપરાશમાં જ ઉપયોગ કરવાનો હોય છે. પરંતુ, આ નીમકોટેડ ખાતરનો ઉપયોગ લાખાબાવળના નાઘેડી ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા લક્ષ્મી એન્ટરપ્રાઈઝ નામના ઔદ્યોગિક એકમમાં કરાતો હોવાની લેખિત અરજીના આધારે નાયબ ખેતી નિયામક ડી એન પાનસુરીયા દ્વારા લક્ષ્મી એન્ટરપ્રાઈઝમાં રહેલા રાસાયણિક ખાતરના 31 બાચકાઓમાંથી નમુના મેળવી પરીક્ષણ માટે જૂનાગઢની સરકારી લેબોરેટરીમાં મોકલાવામાં આવ્યાં હતાં. જેના રિપોર્ટમાં આ ખાતરનો ઉપયોગ ખેડૂત વપરાશ માટે જ છે. પરંતુ ઔદ્યોગિક એકમમાં કરતા હોવાનું ખુલતા નાયબ ખેતીનિયામકે આ મામલે લક્ષ્મી એન્ટરપ્રાઈઝના દેવજી હિરજી મંગે અને તેનો પુત્ર દિપેશ દેવજી મંગે નામના પિતા-પુત્ર વિરૂધ્ધ પંચ બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પ્રો. આઈપીએસ અજયકુમાર મીણા દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.