ભાણવડમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી શાખાની ટીમે બાતમી પરથી ગેરકાયદે લાકડા ભરીને આવતી બે જેટલી બોલેરો ગાડીને પકડી પાડી છે, એસઓજી શાખાએ રૂા.28 હજારનો 550 મણ લાકડા તેમજ 10 લાખની બે બોલેરો ગાડી સહિત કુલ રૂા.10,28,000ના મુદામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે.
રાજકોટ રેન્જ આઇજીપી નિલિપ્ત રાયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદે પ્રવૃતિ સામે કડક કાર્યવાહીના આદેશ છોડયા છે અને આ માટે જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ઘટતી સૂચના આપી છે.
સૂચના અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી શાખાની ટીમ ભાણવડ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન પોરબંદર તરફથી બે જેટલી બોલેરો ગાડી ગેરકાયદે લાકડા ભરીને આવી રહી હોવાની બાતમી પરથી એસઓજી શાખાએ વોચ ગોઠવી હતી.
તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પુરપાટ આવતી બે જેટલી બોલેરો ગાડીને અટકાવી તેના ચાલકની પુછતાછ કરતા તેણે પોરબંદરના નાગકર વાડી સીમમાં ગેરકાયદે વૃક્ષો કાપી ગાડીમાં તાલપત્રીની આડમાં લાકડાનો વિશાળ જથ્થો છૂપાવીને રાખ્યો હતો, વધુમાં બોલેરો ગાડીના ચાલકે કોઇ અધીકારીની પૂર્વ મંજુરી પણ લીધી નથી તેમજ કોઇ આધાર પુરાવા પણ હતા નહીં આમ લાકડાનો જથ્થો સંપૂર્ણ ગેરકાયદે હતો અને તેનું વેચાણ કરવા માટે બન્ને ઇસમો લઇ જતાં હતાં જેથી એસઓજી શાખાએ અર્જુન ગાંડુ મકવાણા રે. રાણાવાવ અને શામજી ભીખુ મોઢતરીયાની ધરપકડ કરી લાકડા અને બન્ને બોલેરો ગાડી સહિત કુલ રૂા.10,28,000નો મુદામાલ કબ્જે લીધો છે.
કાર્યવાહીમાં પીઆઇ વી.એ. રાણા, પીએસઆઇ ચિરાગસિંહ જાડેજા, ભરતભાઇ બેડીયાવદરા, નિતેશભાઇ સાદીયા, સજુભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત રોકાયા હતાં.


