Friday, April 19, 2024
Homeરાજ્યગુજરાતહાલારના બે ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન

હાલારના બે ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન

કૃષિમંત્રી તરીકેની સારી કામગીરીનો રાઘવજી પટેલને મળ્યો રિવોર્ડ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી અનુભવી મુળુભાઇ બેરા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો : 17 થી 22 મંત્રીઓ મુખ્યમંત્રી સાથે લેશે શપથ : રાજયપાલ દેવવ્રત આચાર્ય લેવડાશે પદ અને ગોપનિયતાની શપથ : ગુજરાતની પ્રચંડ જીતના શિલ્પી પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિ : શપથ ગ્રહણ બાદ સાંજે યોજાશે નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક : મંત્રીઓને થશે ખાતાઓની ફાળવણી

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલ ફરીથી રાજયના મુખ્યમંત્રી પદે શપથ લઇ રહયા છે. તેમની સાથે 17 જેટલા મંત્રીઓ પણ મંત્રી પદના શપથ લેશે. રાજયપાલ દેવવ્રત આચાર્ય મુખ્યમંત્રી અને તમામ મંત્રીઓને પદ અને ગોપનિયતાની શપથ લેવડાવશે. ત્યારબાદ 15મી વિધાનસભામાં ભાજપની સરકાર અસ્તિત્વમાં આવી જશે.મંત્રીમંડળના 17 સભ્યોમાં હાલારના બે ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગત સરકારમાં કૃષિમંત્રી તરીકે સારી કામગીરી કરનાર અને એક ધારાસભ્ય તરીકે પણ સતત સક્રિય રહેનારા જામનગર ગ્રામ્યની બેઠક પરથી વિજેત થયેલાં રાઘવજી પટેલને તેમની કામગીરીનો રિવોર્ડ આપવામાં આવ્યો છે. ફરી એક વખત તેઓ ગુજરાત સરકારમાં મંત્રી પદ શોભાવશે. રાઘવજી પટેલ અગાઉ રાજપાની સરકારમાં પણ મંત્રી રહી ચૂકયા છે. એક ધારાસભ્ય અને મંત્રીપદના બહોળા અનભુવને ધ્યાનમાં રાખી જામનગર જિલ્લામાંથી તેમના પર પસંદગી ઉતારવામાં આવી છે. બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પણ અનુભવી મુળુભાઇ બેરાને સ્થાન આપવામાં આવ્યું છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિ ઉત્તેજનાસભર બની ગયેલી ખંભાળિયા વિધાનસભા બેઠકની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાએ 19 હજાર જેટલા મતની જંગલી લીડથી વિજય મેળવતા સમગ્ર જિલ્લામાં કેસરિયા માહોલ સાથે ભાજપના કાર્યકરોમાં અનેરા ઉમંગ-ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.

જંગી લીડથી ચૂંટાઈ આવેલા મુળુભાઈ બેરા અગાઉ પણ ચાર વખત ધારાસભ્ય તથા મંત્રી બની ચૂક્યા છે. વર્ષ 2014 ની પેટા ચૂંટણીમાં પરાજય પામવા છતાં પણ રાજકીય તથા સામાજિક રીતે સક્રિય રહેલા મુળુભાઈ બેરાને પક્ષે ટિકિટ આપતા તેઓ વિજેતા બન્યા હતા અને રાજ્ય સરકાર દ્વારા નવા મંત્રીમંડળમાં તેમનો સમાવેશ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યના મંત્રી બનવા અંગે ગઈકાલે વિધિવત રીતે તેમને ફોન આવી જતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મંડળ પ્રમુખો તથા કાર્યકરો, હોદ્દેદારો ઉપરાંત ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાંથી મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો ગતરાત્રે તથા આજે સવારે ગાંધીનગર પહોંચી ગયા છે.

- Advertisement -

હાલારના સાંસદ પૂનમબેન માડમ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, મયુરભાઈ ગઢવી, શૈલેષભાઈ કણજારીયા, જિલ્લા પંચાયતના સદસ્ય સંજયભાઈ નકુમ, જીતેન્દ્ર કણજારીયા, ચૂંટણીના ઇન્ચાર્જ પી.એસ. જાડેજા, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, પાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય, જીગ્નેશભાઈ પરમાર, ઇન્દ્રજીતસિંહ પરમાર વિગેરે શપથ ગ્રહણ સમારોહ પ્રસંગે ગાંધીનગર પહોંચ્યા છે.

અગાઉ રાજ્ય સરકારમાં શ્રમ અને રોજગાર તથા સિંચાઈ, ખાણ ખનીજ તથા સમાજ કલ્યાણ જેવા મહત્વના વિભાગના મંત્રી તરીકે રહી ચૂકેલા મુળુભાઈ બેરાએ અહીં સતત બે ટર્મથી જીતતા કોંગ્રેસના ઉમેદવારને પરાજય અપાવ્યો છે. તેમને મહત્વનું ખાતું આપવામાં આવશે તેવી પણ વ્યાપક ચર્ચા છે. વર્ષ 2013માં જામનગરમાંથી દ્વારકા જિલ્લો અલગ બન્યા બાદ પ્રથમ વખત આ જિલ્લાને મંત્રી મંડળમાં સ્થાન મળશે. આ અગાઉના વર્ષોમાં ખંભાળિયાના જેસાભાઈ ગોરીયા, ડો. રણમલભાઈ વારોતરીયા, દ્વારકાના પબુભા માણેક વિગેરે મંત્રીઓ રહી ચૂક્યા છે. ખંભાળિયાના ધારાસભ્ય મુળુભાઈ બેરાનો પ્રધાનમંડળમાં સમાવેશ થતા ખંભાળિયા, ભાણવડ પંથક ઉપરાંત સમગ્ર જિલ્લાની જનતામાં પણ આનંદની લાગણી જોવા મળી છે. આજે શપથ લેનારી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેટલાક નવા અને યુવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવશે. આજે શપથ લેનારાઓમાં કનુભાઇ દેસાઇ, ઋષિકેશ પટેલ, બળવંત રાજપૂત, કુંવરજી બાવળિયા, જગદીશ પંચાલ, ભાનુબેન બાબરિયા, કુબેર ડિંડોર, પરસોત્તમ સોલંકી, ભીખુભાઇ પરમાર, કુંવરજી હળપતિ, દેવા માલમ, પ્રફુલ પાનસેરિયા, મુકેશ પટેલ, હર્ષ સંઘવી વગેરેનો સમાવેશ થાય છે. જયારે પાટીદાર આંદોલન સાથે જોડાયેલા રહેલાં અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલના સમાવેશની સંભાવનાઓ ઓછી જણાઇ રહી છે. ઉત્તર ગુજરાતમાંથી ચૂંટાયેલા શંકર ચૌધરીને મહત્વનું સ્થાન મળી શકે છે જો તેમને મંત્રીમંડળમાં લેવામાં નહી આવે તો વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. શપથવિધી સમારોહ પૂર્ણ થયા બાદ સાંજે નવા મંત્રી મંડળની પ્રથમ કેબિનેટ બેઠક યોજાશે જેમાં તમામ મંત્રીઓના ખાતાની ફાળવણી કરવામાં આવશે. બીજી તરફ શપથ લેનારા મંત્રીઓને આગામી 10 દિવસ સુધી ગાંધીનગર નહીં છોડવાની સૂચના આપી દેવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રિયમંત્રીઓ ઉપરાંત ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે જેઓ ગઇકાલે રાત્રે જ ગાંધીનગર પહોંચી ગયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular