જામનગર તાલુકાના હાપા ગામમાં રહેતા વિદ્યાર્થીને એક મહિના પહેલાં થયેલી બોલાચાલીનો ખાર રાખી બે શખ્સોએ પથ્થર વડે માર મારી લોહીલુહાણ કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના હાપા ગામમાં રામેશ્વર મંદિર પાસેની એલગન સોસાયટીમાં રહીને અભ્યાસ કરતો દર્શિલ કમલેશભાઇ જોષી (ઉ.વ.22) નામના વિદ્યાર્થી યુવકને એક માસ પહેલાં તેના જ વિસ્તારમાં બોલાચાલી અને ઝઘડા બાદ ફરિયાદ પણ થઇ હતી. આ પોલીસ ફરિયાદનો ખાર રાખીને ગત્ તા. 18ના રોજ રાત્રિના સમયે નવ વાગ્યાના અરસામાં રવિરાજ રમેશ રોરિયા, હિતેષ ઉર્ફે જાંબુ કાનજી રાઠોડ નામના બે શખ્સોએ એકસંપ કરી દર્શિલ ઉપર પથ્થર વડે આડેધડ ઘા ઝિંકી લોહીલુહાણ કરી મૂકયો હતો. ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઇ ડી. બી. જોગિયા તથા સ્ટાફે બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.


