જામનગર તાલુકાના કનસુમરા ગામના ટ્રસ્ટમાં વિકાસ કાર્યના નામે ટ્રસ્ટના પ્રમુખ તથા હોદેદારો એ મોટું કમિશન મેળવી વિશ્વાસઘાત કર્યાની ટ્રસ્ટના જ એક સભ્યએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ટ્રસ્ટીઓ સામે વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના કનસુમરા ગામની સમસ્ત માલિકીની અવેડિયા તરીકે ઓળખાતી 21 એકર જમીન ત્રણ દાયકા પૂર્વે જીઆઇડીસી મારફતે ઔદ્યોગિક વિકાસ માટે સંપાદન કરવામાં આવી હતી. તે સમયે જમીનના વળતર પેટે મળેલી રકમ ગામના વિકાસ માટે ઉપયોગમાં લેવાય તે હેતુ માટે ‘કનસુમરા ગામ સમસ્ત સાર્વજનિક ટ્રસ્ટ’ની રચના કરવામાં આવી હતી અને વર્ષ 2001માં જમીનના વળતર પેેટે આવેલી રૂા. 22 કરોડની રકમ ટ્રસ્ટમાં જમા થઇ હતી. ગ્રામજનો દ્વારા ટ્રસ્ટના હોદેદારોની રચના પણ કરવામાં આવી હતી. જેમાં વિકાસ કાર્ય માટે સમયાંતરે બેન્કના ખાતામાંથી વહીવટ કરાતો હતો. લાંબા સમય સુધી પારદર્શક વહીવટ ચાલ્યા બાદ છેલ્લા 3 વર્ષ દરમ્યાન ટ્રસ્ટીઓ અને હોદેદારોએ સભ્યોને વિશ્વાસમાં લીધા વગર જ વહીવટ કરવા લાગ્યા હતા. જેથી ટ્રસ્ટના જ સભ્ય કાસમભાઇ દોસમામદ ખીરાને ટ્રસ્ટના બેન્ક ખાતામાંથી મોટા આર્થિક વ્યવહારો કરાયા હોવાનું જણાયું હતું.
જેથી કાસમભાઇ ખીરાએ ટ્રસ્ટના અકરમ સલીમ ખીરા, અકરમ ઇસુબ ખીરા, અલ્તાફ જુસબ ખીરા, આમદ મામદ ખીરા, ઇકબાલ હારૂન ખીરા, ઈસ્માઇલ હાસમ ખીરા, વલીમામદ દોસમામદ ખીરા, હુસેન સુલ્તાન ખીરા અને હનિફ અલ્લારખા ખીરા નામના સભ્યો વિરૂઘ્ધ કાસમભાઇએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમાં આ સભ્યોએ પોતાના તથા લાગતા વળગતા વ્યક્તિઓના બેન્ક ખાતામાં રકમ ટ્રાન્સફર કરી અને ઉપાડી લઇ તેમજ અન્ય ટ્રસ્ટોમાં કમિશનથી નાણા ફેરવી પૂર્વ આયોજિત કાવતરૂ રચી સમસ્ત કનસુમરા ગામની જનતા સાથે ગુનાહિત, વિશ્વાસઘાત આચર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હે.કો. પી. એફ. જાડેજા તથા સ્ટાફએ નવ શખ્સો વિરૂઘ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી આગળની તપાસ આરંભી હતી.


