સમગ્ર ભારત સાથે વિશ્વ જે ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી, તે ભારતના મહત્વના મૂન મિશન ચંદ્રયાન – 3 ને આજરોજ સાંજે મળેલી અદભુત સફળતાથી સમગ્ર દેશ સાથે ખંભાળિયા પંથકમાં પણ અનેરા ઉત્સવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
આજરોજ સાંજે ચંદ્રના સાઉથ પોલ પર ભારતના ચંદ્રયાન થ્રી નું સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ થતાં ખાસ કરીને ભારતના વિજ્ઞાનીકોને મળેલી આ અદભુત સફળતાની સમગ્ર વિશ્વમાં સરાહના થઈ રહી છે. સાથે સાથે આજરોજ સાંજે ચંદ્રયાન થ્રીના ચંદ્ર પર થયેલા સફળતાપૂર્વકના ઉતરાણથી આજરોજ સાંજે ખંભાળિયાવાસીઓએ આતશબાજી અને ફટાકડાની ધૂમ સાથે ભવ્ય ઉજવણી કરી હતી.
જામનગર – દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમની ખાસ ઉપસ્થિતિમાં અહીંના શ્રી ખામનાથ મહાદેવના મંદિર ખાતે આજરોજ સાંજે ચંદ્રયાનના લેન્ડિંગનું લાઈવ ટેલીકાસ્ટ યોજવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. આજે સાંજે ચંદ્ર પર આપણું મૂન મિશન સફળ થતાં સર્વત્ર ભારત માતાનો જય ઘોષ જોવા મળ્યો હતો. સાથે સાથે અહીંના જુદા જુદા વિસ્તારોમાં લોકોએ ફટાકડા ફોડી અને ભારતીય વૈજ્ઞાનિકોની આ ભવ્ય સફળતાને આવકારી હતી.