કલ્યાણપુર તાલુકાના બામણાસા ગામે આજરોજ સવારે બામણાસા ગામે આજે સવારે બે સહોદર પાણીમાં ડૂબી જતા એક યુવાનનો મૃતદેહ સાંપડ્યો હતો. જ્યારે એક યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ કરુણ બનાવની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના બામણાસા ગામે રહેતા અજીતસિંહ નારુભા તથા તેમના ભાઈ દશરથસિંહ નારુભા નામના બે સગા ભાઈઓ આજરોજ સવારે તેમની વાડી નજીક ઢોર ચરાવવા હતા, ત્યારે નજીકમાંથી ચિક્કાર પાણી ભરેલી એક નદી પરના ચેકડેમની પાજ પરથી તેઓ પસાર થઇ રહ્યા હતા. ત્યાં તેમના પગ લપસતા તેઓ નદીના પાણીમાં ખાબક્યા હતા. થોડી જ વારમાં આ બંને યુવાનો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. આ બનાવ બનતા નજીકના રહીશો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સ્થાનિક પોલીસને આ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આના અનુસંધાને કલ્યાણપુરના પી.એસ.આઇ. એફ.બી. ગગનીયા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને નજીક આવેલી ઘડી કંપનીની રેસ્ક્યુ ટીમ તથા એનડીઆરએફની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની જહેમતથી અજીતસિંહ નારુભાનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો. જ્યારે દશરથસિંહ નારુભાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ બનાવની કરૂણતા તો એ છે કે બંને યુવાનોને તરતા પણ આવડતું હતું. પરંતુ ગઇકાલના ભારે વરસાદથી ધસમસતા પાણીમાં તેઓ ડૂબવા લાગ્યા હતા અને અજીતસિંહનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવે નાના એવા બામણાસા ગામ સાથે ક્ષત્રિય સમાજમાં ભારે અરેરાટી પ્રસરાવી છે.
કલ્યાણપુરના બામણાસા ગામે સર્જાઈ કરૂણાંતિકા
બે સગા ભાઈઓ પાણીમાં ડૂબી જતા એકનો મૃતદેહ સાંપડ્યો, એકની શોધખોળ