કોરોના વાયરસની મહામારીમાં લોકોની મદદ કરીને મસીહા બનેલ સોનૂ સુદે આજે રોજ રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં CM કેજરીવાલ અને એક્ટર સોનૂ સૂદે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી છે કે, સોનૂ સૂદ આપ સરકારનાં બ્રાન્ડ એમ્બેસેડર બનવાં તૈયાર છે. સરકાર જલ્દી જ ‘દેશ કે મેન્ટર્સ’ કાર્યક્રમ શરૂ કરશે. આ કાર્યક્રમનાં બ્રાન્ડ એમ્બેસેડર સોનૂ સૂદ હશે.
અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે સોનૂ સુદ આજે સમગ્ર દેશ માટે પ્રેરણાનો સ્ત્રોત છે. આજે દરેક સરકાર જે નથી કરી શકી તે કામ સોનૂ સુદે કરી બતાવ્યું છે. કોઈપણ વ્યક્તિ તેની પાસે મદદ માંગે તો સોનૂ સુદ તમામની મદદ કરે છે. કેજરીવાલે જણાવ્યું કે ગરીબ પરિવારના બાળકો ઘણું બધું કરવા ઈચ્છે છે પરંતુ તેને માર્ગદર્શન આપવા વાળું કોઈ હોતું નથી. આવા બાળકો માટે આમ આદમી પાર્ટી “દેશ કે મેન્ટર્સ’ કાર્યક્રમ શરુ કરશે. જેના બ્રાન્ડ એમ્બેસેડર બનવા સોનૂ સુદ તૈયાર છે.
સોનૂ સુદે દિલ્હીના એજ્યુકેશન મોડેલના વખાણ કરતાં કહ્યું કે આમ આદમી પાર્ટી દ્વારા બાળકોને સારું શિક્ષણ તો અપાઈ રહ્યું છે પરંતુ બાળકોને માર્ગદર્શન આપવા વાળું પણ કોઈક હોવું જોઈએ. આવા બાળકોનું મેન્ટર બનવા અન્ય લોકોએ પણ આગળ આવવું જોઈએ તેમ તેણે વધુમાં જણાવ્યું હતું.
સોનૂ સુદ રાજનીતિમાં આવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. તેના પર જણાવ્યું કે ઓફર આવતી હોય છે પરંતુ અ વિષે હજુ વિચાર્યું નથી. અને મારા અને કેજરીવાલ વચ્ચે રાજનીતિમાં જોડાવાને લઇને કોઈ વાતચિત થઇ નથી.