કાનાલુસ ગામે રહેણાંક ઓરડીમાંથી મેઘપર પડાણા પોલીસે ત્રણ શખ્સોને એક કિલો 795 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા હતા અને કુલ રૂપિયા 1,04,750નો મુદામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ દરોડાની વિગત મુજબ નાયબ પોલીસ મહાનિરિક્ષક નિર્લિપ્ત રાય દ્વારા નશિલા માદક પદાર્થના વેપાર અને સેવન ઉપર રોક લગાવવા સૂચના અપાઇ હોય જે અનુસંધાને જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પીયૂષ વાંદાના માર્ગદર્શન હેઠળ મેઘપર (પડાણા)ના પીઆઇ એ. એલ. બારસિયાની રાહબરી હેઠળ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમ્યાન હે.કો. લાખનસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલાને કાનાલુસ ગામમાં પોસ્ટઓફિસની આગળની શેરીમાં આવેલ ગોપાલ પ્રાગજી ગોહિલની ઓરડીઓ પૈકી ઓરડી નંબર ચારમાં અજિતસિંહ યાદવ ભાડેથી રહેતો હોય અને તેમાં ગાંજાનો જથ્થો રાખ્યો હોવાની બાતમી મળી હતી.
View this post on Instagram
બાતમીના આધારે મેઘપરના પીઆઇ એ. એલ. બારસિયા, એએસઆઇ મહિપાલસિંહ જાડેજા, હે.કો. લાખનસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, પો.કો. વિક્રમસિંહ જાડેજા, મહાવીરસિંહ વાઘેલા, સલીમભાઇ મલેક, મહેશભાઇ જોગલ, નિર્મળસિંહ જાડેજા, કુલદીપસિંહ પરમાર, પ્રદીપસિંહ જેઠવા સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન ઉત્તરપ્રદેશના અજિતસિંહ સુરેન્દ્રસિંહ યાદવ, ઉત્તરપ્રદેશના વેદપ્રકાશ પ્રમોદકુમાર મિશ્રા તથા બિહારના વિશાલકુમાર સુરેન્દ્રગીરી નામના ત્રણ શખ્સોને 1.795 કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધાં હતા. પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 89,750નો ગાંજો તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂા. 1,04,750નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ અરૂણકુમાર તથા તેના માણસ તરીકે અજાણ્યા શખ્સનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.


