ખંભાળિયામાં જામનગર હાઈવે પર આવેલા અશોક હોન્ડા શોરૂમની પાછળના રહેતા અને હાલ કલ્યાણપુર તાલુકાના જામદેવળીયા ખાતે રહેતા મણીબેન દેવશીભાઈ ભીમાભાઈ વેગડા નામના 44 વર્ષના અનુસૂચિત જાતિના મહિલા ગત તારીખ 18 મીના રોજ દ્વારકાની કોર્ટમાં તેમણે કરેલ એક ફરિયાદના અનુસંધાને તેમના પુત્ર, પુત્રીઓ સાથે મુદતમાં આવ્યા હતા. ત્યારે આ મુદત પૂરી થયા બાદ કોર્ટની બહાર નીકળતી વખતે અહીં ઊભેલા ભાટીયા ગામના રહીશ અને હાલ પિંડારા ગામે રહેતા આલાભા મુળુભા ઉર્ફે ઓઘળભા ગાદ નામના શખ્સએ ફરિયાદી મણીબેન તથા તેમની સાથે રહેલા સાહેદને કેસ પાછો ખેંચી લેવાનું કહી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આટલું જ નહીં, આરોપી દ્વારા મણીબેનના પુત્ર જીતુભાઈને અવારનવાર ફોન કરી અને એટ્રોસિટી બાબતે બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે આઈપીસી કલમ 504, 506 (2) તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા હાથ ધરવામાં આવી છે.