દ્વારકામાં સતવારા સમાજની વાડીએ બે દિવસના પ્રશિક્ષણ વર્ગ કાર્યક્રમના આયોજનની તૈયારી માટે ગયેલા દ્વારકા શહેર ભાજપ પૂર્વ પ્રમુખને કોંગ્રેસના કાર્યકરે જેમ ફાવે તેમ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકામાં રહેતાં પૂર્વ દ્વારકા શહેર ભાજપ પ્રમુખ વિજયભાઇ પરસોત્તમભાઇ બુજડ (ઉ.વ.46) નામના યુવાન આજે સવારે ચરકલા રોડ ઉપર આવેલી સતવારા સમાજની વાડીએ ગયા હતા. જ્યાં આજથી બે દિવસ માટે પ્રશિક્ષણ વર્ગના કાર્યક્રમના આયોજનની તૈયારીઓનું નિરીક્ષણ કરવા ગોપાલભાઇ અને કિશનભાઇ સાથે ગયા હતા. તે દરમ્યાન સતવારા સમાજની વાડીના ગેઇટ પાસે દ્વારકામાં રહેતાં કોંગ્રેસના કાર્યકર રમેશ ઉર્ફે નાથાલાલ ફોગાભાઇ પરમાર નામના શખ્સે રાજકીય ખાર રાખી દ્વારકા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ વિજયભાઇને જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી અને મારી નાખવાની ધમકી પણ આપી હતી. તેમજ, “સમાજની વાડી અમારી છે. અમારા સમાજની વાડીએ પગ મૂકવો નહીં…” તેમ કહી પતાવી દેવાની ધમકી પણ આપી હતી.
અગાઉ પણ અનેક વખત નગરપાલિકાના હોદેદારો તથા કર્મચારીઓ અને ભાજપના કાર્યકરોની ફરજમાં અવરોધ ઉભો કરી હેરાન પરેશાન કરતો હતો. જો કે, રમેશ પરમારનો ત્રાસ વધી જતાં આજે ધમકી આપતા આ બનાવ અંગે દ્વારકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેના આધારે દ્વારકા પોલીસે વિજય બુજડની ફરિયાદ નોંધી રમેશ પરમાર વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.


