Friday, January 10, 2025
Homeસ્પોર્ટ્સવિશ્વના સૌથી ધનિક બોર્ડ પાસે આધુનિક સુવિધાઓનો અભાવ

વિશ્વના સૌથી ધનિક બોર્ડ પાસે આધુનિક સુવિધાઓનો અભાવ

ટાંચા સાધનોને લઇને સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલ થઇ રહ્યું છે ધનાઢય બીસીસીઆઇ

- Advertisement -

ગઇકાલે અમદાવાદમાં રમાયેલી આઇપીએલની ફાઇનલ મેચમાં ફરી એકવાર વરસાદે વિઘ્ન ઉભું કર્યુ હતું. ત્યારે વિશ્ર્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ એવા બીસીસીઆઇ પાસે આધુનિક સાધનોનો અભાવ ઉડીને આંખે વળગ્યો હતો. ટાંચા સાધનો દ્વારા કરવામાં આવી રહેલાં મેદાન સુકવવાનું બીસીસીઆઇના પ્રયાસો સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલ થયા હતા. ટિવટર પર એક ક્રિકેટ પ્રેમીએ ટિવટ કરતાં લખ્યું છે કે, ભારતના સૌથી નવા અને વિશ્ર્વના સૌથી મોટા અને આધુનિક ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાણી સુકવવા માટે સુપર સોકર મશીન પણ નથી. સાધારણ સ્પોન્ઝ અને બાલટી લઇને પાણી સુકવવાનો પ્રયાસ કરી રહેલાં ગ્રાઉન્ડસ મેનની તસ્વીર ભારતીય ક્રિકેટ પ્રેમીઓને પરેશાન કરી રહી છે. તેમણે એમ પણ લખ્યું છે કે, જે દેશમાં ક્રિકેટને ધર્મ અને ખેલાડીઓને ભગવાન માનવામાં આવે છે.

- Advertisement -

ત્યાં રમત સાથેનો આ પ્રકારનો વ્યવહાર વ્યથિત કરનારો છે. બીજી તરફ તેમણે લંડનના લોર્ડઝના મેદાન પર પાણી સુકવવા માટેના અત્યાધુનિક સુપર સોકર સાથે અમદાવાદમાં સ્પોન્ઝ વડે પાણી સુકવતાં ગ્રાઉન્ડસ મેનની તસ્વીર પણ શેર કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આઇપીએલ તથા અન્ય ક્રિકેટ મેચોનું આયોજન કરીને ભારતીય ક્રિકેટ બોર્ડ હજારો કરોડની કમાણી કરી રહ્યું છે. પરંતુ દેશના એક પણ મેદાનમાં આધુનિક સાધનો જોવા મળતાં નથી. બીજી તરફ લોર્ડઝ, મેલબોર્ન જેવા મેદાનમાં વરસાદ રોકાઇ ગયાની 10 મિનિટ બાદ મેચ શરૂ કરી શકાય છે. જો અમદાવાદમાં પણ આધુનિક સાધનો હોત તો મેચમાં પાંચ ઓવરનો કાપ ન આવ્યો હોત એટલું જ નહીં પરિણામ પણ કંઇક અલગ હોય શકત. આમ ટાંચા સાધનોને લઇને ધનાઢય બીસીસીઆઇ સોશિયલ મીડિયામાં ખુબજ ટ્રોલ થઇ રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular