Tuesday, September 17, 2024
Homeરાજ્યગુજરાતજામનગર-અમદાવાદ ‘વંદે ભારત’ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી તથા સાંસદ પૂનમબેન માડમે...

જામનગર-અમદાવાદ ‘વંદે ભારત’ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી તથા સાંસદ પૂનમબેન માડમે જામનગર રેલવે સ્ટેશનેથી લીલી ઝંડી આપી – VIDEO

ધારાસભ્ય, મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત

- Advertisement -

સૌરાષ્ટ્રની સૌપ્રથમ ‘વંદે ભારત’ ટ્રેનને ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વર્ચ્યુલ માધ્યમથી તથા સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવોએ જામનગર રેલવે સ્ટેશનથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સેમી હાઈસ્પીડ ટ્રેન જામનગર-અમદાવાદ વચ્ચે દોડશે. જામનગર-અમદાવાદ સહિત કુલ નવ ‘વંદે ભારત’ એકસપ્રેસ ટ્રેનોને પ્રધાનમંત્રીએ લીલી ઝંડી આપી ગઈકાલે પ્રારંભ કરાવ્યો હતો.

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગઈકાલે સમગ્ર ભારતમાં નવ ‘વંદે ભારત’ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ નવ નવી ટ્રેનમાં જામનગર-અમદાવાદ, ઉદયપુર-જયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, રાઉરકેરા-ભુવનેશ્ર્વર-પુરી, હૈદરાબાદ-બેંગ્લોર, વિજયવાડા-ચેન્નઇ, તિરૂનેલવેલી-મદુરાઇ-ચેન્નાઇ, કાસરગોડ-તિરૂવનંતપુરમ રૂટની ટ્રેનોનો સમાવેશ થાય છે. જામનગર-અમદાવાદ ‘વંદે ભારત’ ટ્રેનનો જામનગર રેલવે સ્ટેશન સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ અને સાંસદ પૂનમબેન માડમે આ તકે જણાવ્યું હતું કે, આજનો દિવસ આપણા ઈતિહાસમાં સમગ્ર હાલાર પંથક માટે સુવર્ણદિન તરીકે લેખિત થયો છે. ભૂતકાળમાં જામનગરથી અન્ય સ્થળોએ પહોંચવા માટે ખૂબ સમય લાગતો હતો. ‘વંદે ભારત’ ટ્રેનની શરૂઆતથી માત્ર સાડા ચાર કલાકમાં જામનગર થી અમદાવાદ સહેલાઈથી પહોંચી શકાશે. હાલાર પંથકના વિકાસ માટે ‘વંદે ગુજરાત’ ટ્રેન એ એક મજબુત પગલું છે.

- Advertisement -

કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્ય રેલવેમંત્રી દર્શનાબેન જરદોશે પણ વર્ચ્યુલ માધ્યમથી સંદેશ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જી-20 ની સફળતાએ ભારતની લોકશાહી જનસંખ્યા અને વિવિધતાની શકિતનું પ્રદર્શન કર્યુ છે. ભારત તેના વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતો પર એક સાથે કામ કરી રહ્યું છે. અમૃત ભારત સ્ટેશનો આગામી દિવસોમાં નવા ભારતની ઓળખ બનશે. ‘વંદે ભારત’ ટે્રનો નવા ભારતના નવા ઉત્સાહનું પ્રતિક છે. ‘વંદે ભારત’ના વધતા જતા ક્રેઝ અંગે તેમણે આનંદ વ્યકત કરતા જણાવ્યું હતું કે, ‘વંદે ભારત’ ટે્રનોમાં 1 કરોડ 11 લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે.

વડાપ્રધાન દ્વારા જામનગર-અમદાવાદ ‘વંદે ભારત’ એકસપ્રેસને વીડિયો કોન્ફરન્સથી લીલી ઝંડી દેખાડી રવાના કરાવવામાં આવી હતી. ઉદઘાટક ટ્રેન રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ અને સાણંદ સ્ટેશનોએ રોકાઈ હતી જ્યાં લોકોએ ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમપૂર્વક સ્વાગત કર્યુ હતું. યાત્રાને યાદગાર બનાવવા માટે ઉદઘાટક યાત્રા દરમિયાન પશ્ર્ચિમ રેલવે દ્વારા યાત્રીઓને ટોપી, હેન્ડબેગ જેવી વસ્તુઓની સાથે-સાથે સ્મારિકા ટિકિટ પણ આપવામાં આવી હતી. અમદાવાદ-સાબરમતિ-વિરમગામ-મોરબી-જામનગર-વાંકાનેર-સુરેન્દ્રનગર-રાજકોટ વગેરેમાં શાળાના બાળકો માટે ડ્રોઇંગ, પેન્ટીંગ અને નિબંધ લેખન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1800 બાળકોએ ભાગ લીધો હતો અને તમામ શાળાઓમાં સ્પર્ધામાં ટોચના ત્રણ સ્થાન મેળવનારા 300 જેટલા વિદ્યાર્થીઓને નવી શરૂ કરાયેલી ‘વંદે ભારત’ એકસપ્રેસ ટ્રેનમાં મુસાફરીનો અવસર મળ્યો હતો.

- Advertisement -

આ તકે સાંસદ પૂનમબેન માડમ ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઇ મુંગરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા, પશ્ર્ચિમ રેલવેના ડીઆરએ સહિતના અનેક મહાનુભાવો ઉપરાંત રેલવેના અધિકારીઓ-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

‘વંદે ભારત’ એકસપ્રેસની વિશેષતા અને ટ્રેનનો સમય

જામનગર-અમદાવાદ ‘વંદે ભારત’ રિક્વાઇનિંગ અને આરામદાયક બેઠકો, સ્લાઇડિંગ દરવાજા, પર્સનલ રીડિંગ લાઇટ્સ, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ્સ, એટેન્ડન્ટ કોલ બટન્સ, બાયો-ટોઇલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ગેટ્સ, સીસીટીવી કેમેરા વગેરે જેવી આધુનિક સુવિધાઓથી આ સુસજ્જ ટ્રેન મુસાફરોને વિશ્વ કક્ષાની આરામ અને સુવિધાઓ પ્રદાન કરશે.

ટ્રેન નંબર 22925 અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 25 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને મંગળવારે નહીં ચાલે. આ ટ્રેન અમદાવાદથી સાંજના 05: 55 કલાકે ઉપડશે અને તે જ દિવસે રાત્રે 10:35 કલાકે જામનગર પહોંચશે.તેવી જ રીતે ટ્રેન નંબર 22926 જામનગર-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 26 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે. આ ટ્રેન જામનગરથી સવારે 05:30 કલાકે ઉપડશે અને તે જ દિવસે સવારે 10:10 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને બુધવારે નહીં ચાલે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular