Friday, December 5, 2025
Homeખબર સ્પેશીયલતહેવારોની શ્રેણીનો પ્રારંભ.... શહેરીજનો રંગાશે ઉજવણીના રંગમાં

તહેવારોની શ્રેણીનો પ્રારંભ…. શહેરીજનો રંગાશે ઉજવણીના રંગમાં

જયાપાર્વતી સહિતના વ્રતો શરૂ, રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ, નવરાત્રી, દિવાળી સહિતના શુભપર્વોની લાઇનો : આ વર્ષે તહેવારો વહેલા : ઓકટોબર માસમાં આવશે દિવાળી

આજે અષાઢ સુદ-13 છે આજથી જયાપાર્વતીના વ્રતનો પ્રારંભ થયો છે આ સાથે જ તહેવારોની સિઝનનો પણ પ્રારંભ થયો છે. તેવું કહી શકીએ. ગુરૂપૂર્ણિમા, રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ, નવરાત્રી, દિવાળી, છઠ્ઠ પૂજા સહિતના અનેક શુભ કાર્યોને તહેવારોની શ્રેણીનો પ્રારંભ થયો છે. જેની લોકો આખુ વર્ષ રાહ જોતા હોય છે. અને હર્ષોલ્લાસ સાથે આ તહેવારોની ઉજવણી કરશે આ વખતે તહેવારો પણ વહેલા આવી રહ્યા છે.
આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે જેમાં યુવતિઓ પાંચ દિવસ સુધી ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરી વાર્તા કરી મોરૂ એકટાણુ કરશે અને છેલ્લા દિવસે વ્રતનું જાગરણ કરી ઉજવણી કરશે આ વ્રતની પૂજામાં જવારા પૂજનનું પણ ખુબ મહત્વ છે. કુવારીકાઓ સુશીલ અને ગુણવાન પતિ મેળવવા અને સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના આયુષ્ય માટે વ્રત કરે છે.
હિન્દુ ધર્મમાં અનેક તહેવારો આવતા હોય છે અને સમગ્ર ભારતભરમાં આવા તહેવારોની લોકો ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરતા હોય છે. 12 મહિનામાં કદાચ કોઇ એવો મહિનો હશે કે જેમાં ઉજવણી ના હોય કોઇને કોઇ તહેવાર અને ઉજવણી થતી હોય છે અને લોકો આવા તહેવારોમાં તમામ દુ:ખ દર્દ અને ટેન્શનો ભુલીને તહેવારોની ઉજવણી કરતા હોય છે. આ તહેવારોની ઉજવણી સમગ્ર પરિવારમાં આનંદ, એકતા અને આઘ્યમિક ઉર્જાનું સિંચન કરી દે છે. અષાઢ સુદ બીજ એટલે કે અષાઢી બીજથી જ તહેવારોની શંખલા શરૂ થઇ જાય છે. અષાઢી બીજ બાદ જયાપાર્વતી વ્રત, મોરાકતનું વ્રત, ગુરૂપૂર્ણિમા, એવરત જીવતરતનું વ્રત, દિવાસાનું વ્રત ત્યારબાદ શ્રાવણ મહિનો શરૂ થશે.
શ્રાવણ માસ લોકોને શિવભકિતમાં તરબોળ કરે છે ખાસ કરીને જામનગર એટલે કે છોટીકાશી તરીકે સુપ્રસિઘ્ધ શહેર અને અનેક નાના-મોટા શિવાલયો આવેલા છે ત્યારે શ્રાવણ માસમાં શિવભકતોનો ઉત્સાહ બેવડાશે. ખાસ કરીને શ્રાવણ મહિનાના સોમવાર જામનગર શહેરમાં વહેલી સવારથી જ શિવાલયોમાં હરહર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે. આખો મહિનો શિવભકતો જળાભિષેક, દુગ્ધાભિષેક, પૂજા-અર્ચના સાથે ભગવાન ભોળાનાથને રિઝવવા પ્રયાસો કરશે. આ વખતે તમામ તહેવારો વહેલા આવી રહ્યા છે. જુલાઇના અંતિમ સપ્તાહમાં શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે. શ્રાવણ માસમાં ભાઇ-બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનની પણ ઉજવણી થશે. જે 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનું પર્વ આવી રહ્યું છે. ત્યારબાદ સ્વતંત્ર પર્વ અને જન્માષ્ટમીનો તહેવાર સાથે આવી રહ્યો છે. બોરચોથ, નાગપાંચમ, રાંધણછઠ્ઠ, શિતળા સાતમા અને ત્યારબાદ ગોકુલ અષ્ટમીની શૃંખલામાં સતત ચારથી પાંચ દિવસ લોકો ઉજવણીના રંગે રંગાશે. કૃષ્ણ જન્મના વધામણા કરવા લોકોમાં હરખની હેલી જોવા મળે છે. લોકો મંદિરોમાં મોટી સંખ્યામાં ઉમટે છે.
જન્માષ્ટમીના લોકમેળા સહિતની ચાર થી પાંચ દિવસના તહેવારોની શહેરીજનો ભવ્ય ઉજવણી કર્યા બાદ

ગણેશ મહોત્સવની તૈયારીમાં લાગી જશે. જામનગરમાં પણ ધીમે ધીમે ગણેશ ઉત્સવનું મહત્વ વધતું જઇ રહ્યું છે. લોકો આસ્થાભેર દોઢ દિવસથી લઇ 11 દિવસ સુધી દુદાળા દેવની સ્થાપના કરી પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ ગણેશ વિસર્જન બાદ શ્રાધના દિવસો એટલે કે પિતૃપક્ષનો પ્રારંભ થશે. ધાર્મિક તહેવારોની ભવ્ય ઉજવણી બાદ પિતૃ તર્પણના કાર્યોમાં લોકો જોડાશે. પિતૃતર્પણ, મોક્ષ માટે ભાદરવા મહિનાનું મહત્વ છે. સમગ્ર પરિવારને પિતૃતર્પણના કાર્યો કરવામાં આવે છે.
ગણેશ ઉત્સવની ગુંજ અટકે ત્યાં તો હિન્દુ ધર્મનો સૌથી મોટો અને સૌથી લાંબો તથા ભકિતભાવ ભર્યો માતાજીની આરાધનાનો પર્વ એવું નવરાત્રીનું આગમન થાય છે. નવ દિવસ સુધી માતાજીની આરાધના સાથે યુવાધન ગરબે ઘુમવા હિલોરે ચડશે. ત્યારબાદ વિજયા દશમી પર્વની ઉજવણી થશે. નવ દિવસ સુધી માતાજીની આરાધના અને ગરબે ઘુમવાનો થાક ઉતરશે ત્યાં નવુ વર્ષ અને દિવાળીની ઉજવણીમાં શહેરીજનો લાગી જશે આ વર્ષે દિવાળીનો તહેવાર પણ ઓકટોમ્બર માસમાં આવી રહ્યો છે. ધનતેરશ, દિવાળી, ભાઇબીજ, છઠ્ઠપૂજા સહિતના તહેવારો શહેરીજનો ઉમંગ ઉત્સાહ સાથે ઉજવણી કરશે. આમ આગામી દિવસોમાં તહેવારોની શ્રેણી સાથે સતત ઉજવણીનો માહોલ જોવા મળશે.
સંકલન :- સુચિત બારડ-જામનગર
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular