દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના માનપર ગામેથી થોડા સમય પૂર્વે એક મહિલાના રૂપિયા 40,000 ની કિંમતના સોનાના વેઢલાની લૂંટનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ વચ્ચે થોડા સમય પૂર્વે ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે રહેતા નવાઝ જુમા દેથા (ઉ.વ.31) અને જામનગર જિલ્લાના સિક્કા ગામે રહેતા આમીન બસીર ભાયા (ઉ.વ.25) ને દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પીર લાખાસર ગામેથી ઝડપી લીધા હતા. આ શખ્સોની પૂછતાછમાં આરોપીઓ દ્વારા માનપર ગામેથી રૂા. 40 હજારની કિંમતના સોનાના વેઢલાની લૂંટ અંગેની કબુલાત આપી હતી. આ લૂંટ પછી પોલીસથી બચવા માટે નાસતા ફરતા રહેતા આરોપીઓએ જુદા જુદા વિસ્તારોમાંથી 18 જેટલી પવનચક્કીના અર્થિંગ કોપર વાયરની ચોરી તેમજ પડાણા પાટીયા પાસેથી એક મોટરસાયકલની ચોરી સહિતના ગુનાઓ કબુલ કર્યા હતા.
આથી પોલીસે આ પ્રકરણમાં રૂપિયા 24 હજાર જેટલી કિંમતના 40 કિલો જેટલા કોપર વાયર, ત્રણ મોટરસાયકલ તેમજ રૂ. 10 હજારની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 11,380 ના મુદ્દામાલ સાથે બંને આરોપીઓની અટકાયત કરી, વધુ કાર્યવાહી અર્થે બંનેનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ શખ્સો ઝડપાતા ખંભાળિયા, ઉપરાંત ભાણવડ, મેઘપર (પડાણા), શેઠ વડાળા પોલીસ મથકના કુલ પાંચ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી એ.એલ. બારસિયા, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, એ.એસ.આઈ. મશરીભાઈ ભરવાડીયા, ભરતભાઈ, લાખાભાઈ, ભરતભાઈ, દિનેશભાઈ, અરજણભાઈ, હસમુખભાઈ, વિગેરે દ્વારા કરવામાં આવી હતી.