જામનગર શહેરમાં પુત્રના સગપણ માટે સોનાના દાગીના કરાવવા માટે આવેલા દેવભુમિ દ્વારકાના ખેડૂત પ્રૌઢના ત્રણ લાખની રોકડ રકમ રસ્તામાં પડી ગઈ હતી. આ અંગેની જાણ થતા સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે તાત્કાલિક તપાસ હાથ ધરી ત્રણ લાખની રોકડ ખેડૂત પ્રૌઢને સોંપી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, દેવભુમિ દ્વારકા જિલ્લાના કલયાણપુર તાલુકાના નંદાણા ગામમાં રહેતાં વજશીભાઇ નાથાભાઈ કરમુર (ઉ.વ.53) નામના પ્રૌઢ તેના પુત્રના સગપણ માટે શુક્રવારે બપોરના સમયે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ત્રણ લાખની રોકડ રકમ લઇ દાગીનાની ખરીદી કરવા જામનગર આવી રહ્યા હતાં તે દરમિયાન રસ્તામાં કયાંક રોકડ પડી ગઈ કાં કયાંક ભુલી ગયા હોવાની પ્રૌઢ દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ આર ડી રબારી, પીએસઆઈ વી. બી. બરસબીયા, હેકો યશપાલસિંહ જાડેજા, ફૈઝલ ચાવડા, ખીમશી ડાંગર, પો.કો. યુવરાજસિંહ જાડેજા, પ્રવિણ પરમાર, મહાવીરસિંહ જાડેજા, હર્ષદભાઈ પરમાર, હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે સામરાજ ટ્રાવેલ્સના સંચાલક શકિતસિંહ સોઢાનો સંપર્ક કરી તપાસ કરાવી હતી.
દરમિયાન ખેડૂત પ્રૌઢ જે બસમાં આવ્યા હતાં તેમાંથી તેમની સીટ પાસેથી ત્રણ લાખની રોકડ રકમ મળી આવી હતી. જે પોલીસે કબ્જે કરી ખરાઇ કરી ખેડૂત પ્રૌઢને પરત સોંપી હતી. જેના આધારે ખેડૂત પ્રૌઢે પોલીસ દ્વારા તાત્કાલિક કરાયેલી કામગીરીને સરાહનીય ગણાવી આભર માન્યો હતો.