જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસેના ઓવરબ્રીજ પર બુધવારે રાત્રિના સમયે કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત સમયે જિલ્લા પોલીસવડા આ માર્ગ પરથી પસાર થતા તેમણે માનવતા દાખવી બન્ને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવા અને વાહન વ્યવહાર ફરીથી શરૂ કરાવ્યો હતો.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસે આવેલા ઓવરબ્રીજ પર બુધવારે રાત્રિના સમયે પસાર થતી કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બે લોકોને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ થઈ જતા 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તે સમયે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ઓવરબ્રીજ પરથી પસાર થતા હતાં ત્યારે તેમના ધ્યાને અકસ્માત આવ્યો હતો. જેથી તેઓએ ગંભીરતા દાખવી તેમની કારમાંથી ઉતરી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત માર્ગ પરથી અકસ્માતના કારણે ઠપ્પ થયેલો વાહન વ્યવહાર પોલીસવડાએ ફરીથી શરૂ કરાવ્યો હતો. પોલીસવડાની આ કામગીરીને શહેરીજનો દ્વારા બીરદાવવામાં આવી હતી.