જામનગર શહેરમાં લાંબા સમય બાદ આજે કોરોનાના એક સાથે 40 કેસ સામે આવ્યા છે. વાસ્તવમાં આજે શહેરમાં રહેલું છુપુ સંક્રમણ બહાર આવ્યું છે. સંક્રમણની વાસ્તવિક સંખ્યા આનાથી અનેક ગણી હોઇ શકે છે. જામ્યુકોના આરોગ્યતંત્રએ આજે એગ્રેસિવ રીતે કરેલા ટેસ્ટીંગને કારણે શહેરમાં પ્રસરેલું કોરોનાનું છુપુ સંક્રમણ સામે આવી ગયું છે. આજે જાહેર થયેલાં સંક્રમણના આંકડાઓ સુચવી રહ્યા છે કે, જામનગરમાં પણ કોરોનાની ત્રીજી લહેરનો સામુદાયિક પ્રસાર થઇ ચૂકયો છે. પરંતું પર્યાપ્ત ટેસ્ટીંગના અભાવના કારણે તે બહાર આવતો નથી.
જામનગર મહાપાલિકાની આરોગ્ય ટુકડીઓ દ્વારા આજે શહેરની શુક્રવારી બજાર સહિતના કેટલાંક વિસ્તારોમાં એગ્રેસીવ રીતેલોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. સતર્ક બનીને કરવામાં આવેલાં ટેસ્ટીંગને કારણે શહેરમાં આજે કોરોના કેસની સંખ્યા વધીને સીધી ત્રણ ગણી થઇ જવા પામી છે. જેનો અર્થ એ થયો કે શહેરમાં કોરોનાનું સંક્રમણ પ્રસરી ગયું છે.જાહેર થયેલાં કેસો કરતાં અનેક ગણા લોકો સંક્રમીત હોવાની પુરેપુરી સંભાવના રહેલી છે. જો સામુહિક રીતે મોટી સંખ્યામાં ટેસ્ટ કરવામાં આવે તો કોરોનાના બિહામણા આંકડા સામે આવી શકે છે.
ત્રીજી લહેર માટે જવાબદાર કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ ખુબ જ સંક્રામક છે. ઉપરાંત આ વેરિઅન્ટના લક્ષણો પણ સામાન્ય શરદી, ફલુ જેવા હોવાને કારણે લોકો તેને સામાન્ય સિઝનલ શરદી માનીને ટેસ્ટીંગ કરાવતા નથી. પરીણામે સંક્રમણની સાચી સ્થિતિ બહાર આવતી નથી. ઉપરાંત ઓમિક્રોન સંક્રમણ ધરાવતાં મોટા ભાગના દર્દીઓ એસિમ્ટોમેટીક જણાયા છે. એનો અર્થ એ થયો જયાં સુધી ટેસ્ટ કરવામાં ન આવે ત્યાં સુધી કોરોના સંક્રમણની ખબર પડતી નથી.
જામનગર શહેરમાં પણ આજે કંઇક આવું જ થયાનું જણાય રહ્યું છે. જામ્યુકોએ એગ્રેસીવ બનીને ટેસ્ટની શરૂઆત કરતા જ કેસની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. તે જોતા શહેરમાં મોટી સંખ્યામાં સંક્રમિત લોકો ફરી રહ્યા હોવાની સંભાવના છે. જે અજાણતા અન્ય લોકોને પણ સંક્રમિત કરી રહ્યા છે. સંક્રમણની ગંભીર સ્થિતિ નિવારવા જામ્યુકો દ્વારા એગ્રસિવ ટેસ્ટીંગને વધુ આક્રમક બનાવવામાં આવે અને ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવે તે જરૂરી બની ગયું છે.