જામનગર શહેરમાં પટેલનગર વિસ્તારમાં રહેતો અને નોકરી કરતા યુવાને વ્યાજખોરો પાસેથી વ્યાજે લીધેલી રકમની પઠાણી ઉઘરાણી માટે વ્યાજખોરોએ કોરા ચેકમાં રકમ ભરી રીટર્ન કરાવી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ અવિરત રહ્યો છે થોડા સમય અગાઉ રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરી ડામવા માટે અભિયાન ચલાવાવમાં આવ્યું હતું તેમ છતાં વ્યાજખોરી ડામવામાં સરકાર નિષ્ફળ રહી છે દરમિયાન જામનગર શહેરમાં પટેલનગર બ્લોક નંબર-96/3 માં રહેતાં અને નોકરી કરતા વિકી ગોપાલભાઇ નાડાર નામના યુવાને સુનિલ નંદા પાસેથી બે કટકે રોજના બે હજાર રૂપિયાના વ્યાજ લેખે ચાર લાખ રૂપિયા લીધા હતા. જ્યારે ધર્મેશ નંદા પાસેથી રોજના 800 રૂપિયા લેખે 80 હજાર લીધા હતાં. તેમજ વીકીના મિત્ર શિવમગર ખીમગર ગોસાઈએ સુનિલ નંદા પાસેથી રૂા.60 હજાર વ્યાજે લીધા હતાં. જેમાં વિકી જામીન પડયો હતો અને હર્ષ અસ્વાર નામના વ્યાજખોર પાસેથી 10 ટકાના વ્યાજે રૂા.1,30,000 તેમજ કરણસિંહ જાડેજા પાસેેથી 10 ટકાના વ્યાજે રૂા.30 હજાર અને અજયસિંહ જાડેજા પાસેથી રૂા.40 હજાર 10 ટકાના વ્યાજે લીધા હતાં અને આનુ વ્યાજ દર મહિને ભરતો હતો તેમ છતાં પાંચેય વ્યાજખોરો દ્વારા વિકી પાસે પઠાણી ઉઘરાણી કરતા હતાં અને સિકયોરિટી પેટે રાખેલા વિકી તથા તેના ભાઈ રામના સહી કરેલા કોરા ચેકમાં રકમ ભરી ચેક રિટર્ન કરાવી ફરિયાદ કરવાની તથા ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી આ અંગે વિકી દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ. કે. બ્લોચ તથા સ્ટાફે પાંચ વ્યાજખોરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


