ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ઓખા-બેટ દ્વારકા વચ્ચે યાત્રિકોના આવાગમન માટે ચાલતી પેસેન્જર ફેરી બોટ સેવા ભારે પવન અને દરિયાના પાણીમાં કરન્ટના પગલે છેલ્લાં ત્રણ દિવસથી બંધ કરવામાં આવી છે. ફેરીબોટમાં મુસાફરી કરતા પ્રવાસીઓની સુરક્ષા કારણોસર બંધ કરાયેલ ફેરીબોટ સેવાને લીધે ત્રણ દિવસથી હજારો યાત્રાળુઓ ફેરીબોટ સેવા બંધ હોય બેટ દ્વારકા થઈ શકયા ન હતાં અને બેટ દ્વારકાધીશના દર્શનથી વંચિત રહ્યાં હતાં. ઓખાના દરિયાકાંઠેથી બેટ દ્વારકા વચ્ચે રોજેરોજ સેંકડો દર્શનાર્થીઓને લઈ જતી પેસેન્જર બોટને છેલ્લાં ત્રણ દિવસથી દરિયામાં ન જવા સૂચના આપવામાં આવતા ઓખા તથા બેટના દરિયાકાંઠે 180 જેટલી મુસાફર બોટને લાંગરી દેવામાં આવી છે. દ્વારકા દર્શન સર્કિટમાં બેટ દ્વારકાધીશ મંદિર પણ આવતું હોય દરરોજ અહીં હજારો તીર્થયાત્રીઓ આવતા હોય છે પરંતુ વર્તમાન દરિયાઈ પાણીમાં કરન્ટની સ્થિતિ જોતા મેરીટાઈમ બોર્ડ દ્વારા સતત ત્રીજા દિવસે પણ આ સેવા શરૂ કરવા મંજૂરી અપાઈ નથી.
ફેરીબોટ સેવા બંધ રહેવા અંગે ઓખાના પોર્ટ ઓફિસર હિરવાણીનો સંપર્ક સાધતા તેઓ દ્વારા વાતાવરણ પૂન: સામાન્ય થયે ફેરીબોટ સેવા પૂન: કાર્યરત કરાશે તેવું જણાવવામાં આવ્યું હતું.
ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સેવા સતત ત્રીજા દિવસે બંધ
દ્વારકા દર્શન સર્કિટ માટે નિકળતા સેંકડો યાત્રાળુઓ બેટ દ્વારકાધીશના દર્શનથી વંચિત