Monday, November 4, 2024
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકાની 64 બેઠકો માટેના 236 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ

જામનગર મહાનગરપાલિકાની 64 બેઠકો માટેના 236 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ

જામનગરમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 49.64 ટકા મતદાન નોંધાયું : પોલીસ જાપતા હેઠળ ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં રખાયા

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો માટે આજેે મતદાન યોજાયું હતું. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત અને વહીવટીતંત્રના માઇક્રોપ્લાનીંગના સમન્વય સાથે જામનગરમાં શાંતીપ્રિય રીતે મતદાન પૂર્ણ થયું હતું. શરૂઆતના બે કલાકમાં નોંધાયેલ 4.92 ટકા મતદાન પાંચ વાગ્યા સુધીમાં 50 ટકાની નજીક પહોંચી ચુક્યું હતું. તમામ વોર્ડમાં શહેરીજનોની લાઇનો લાગી હતી. જામનગરમાં 16 વોર્ડની 64 બેઠકો માટે સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ કુલ 49.64 ટકા મતદાન નોંધાયું હતું. કુલ 236 ઉમેદવારોનું ભાવિ ઇવીએમ મશીનમાં સીલ થઇ ચુકયું છે. જામનગરની જનતાએ કોને પોતાના જનસેવક તરીકે ચૂંટયા છે તે 23 ફેબ્રુઆરીના રોજ સામે આવશે. કોરોના મહામારી વચ્ચે જામનગરમાં સૌ પ્રથમ વખત ચુંટણી યોજાય હતી. કોરોનાને ધ્યાને લઇ જામનગરના મતદાન મથકોએ સેનેટાઇઝર તેમજ થર્મલ સ્ક્રિનીંગ સહિતની તકેદારી વહિવટી તંત્ર દ્વારા રાખવામાં આવી હતી. તેમજ મતદાન માટે આવતા મતદારોને હાથના મોજા પણ આપવામાં આવ્યા હતા.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પ્રક્રિયા ગઇકાલે શાંતિપ્રિય વાતાવરણમાં યોજાઇ હતી. સવારે 7 વાગ્યાથી પ્રક્રિયા અંતિમ તબકકા પહોંચી ત્યાં સુધી આ માહોલ જળવાઇ રહેતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 16 વોર્ડમાં એકંદરે 49.64 ટકા મતદાન નોંધાયું હતું. 4,88,996 મતદારો ધરાવતી મહાનગરપાલિકાના 645 મતદાન મથકો પર મતદારો એ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. સાંજે પાંચ વાગ્યા સુધીમાં જામનગરના વોર્ડ નં.12માં સૌથી વધુ 60.99 ટકા તથા વોર્ડ નં.9માં સૌથી ઓછું 42.54 ટકા મતદાન નોંધાયું હતું. જામનગરમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 1,32,955 પુરૂષો તથા 1,09,798 મહિલાઓ મળી 2,42,753 મતદારોએ મતદાન કર્યું હતું. યુવાઓથી લઇ વડિલ વર્ગ સહિતના મતદારો મતદાન મથક સુધી ખેંચાયા હતા. પ્રથમ બે કલાકના ગાળામાં કુલ 4.92 ટકા મતદાન નોંધાયું હતું. જામનગર સહિત 6 મહાનગરપાલિકાઓમાં સમગ્ર દિવસ દરમિયાન ધીમી ધારે મતદાન યોજાયું હતું. 6 મહાનગરપાલિકાઓમાં દિવસભર સતત જામનગરનું મતદાન પ્રથમ નંબરે રહ્યું હતું. જામનગર સહિત 6 મહાનગરપાલિકાઓમાં ધીમા મતદાનને કારણે રાજકિય પક્ષો પણ ચિંતામાં મુકાયા હતા. જામનગરમાં સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થતાં યુવાઓ -વડિલો સહિત સમાજના દરેક વર્ગના લોકો ઉત્સાહભેર મતદાન કરવા પહોંચ્યા હતા. જામનગરના મુખ્ય ચુંટણી અધિકારી તથા કલેકટર રવિશંકર, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા, ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, પૂર્વ જામ્યુકો વિપક્ષીનેતા અલતાફ ખફી તથા અસલમ ખીલજી સહિતના અનેક અગ્રણીઓએ સવારે જ મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી. આ ઉપરાંત જામનગરમાં 100 વર્ષથી વધુ વયના વૃધ્ધ, દિવ્યાંગો સહિતના મતદારોએ પણ જાગૃતતા દાખવી મતાધિકારની ફરજ નીભાવી હતી તો બીજી બાજુ મહાનગરપાલિકાની ચુંટણી લડતા ઉમેદવારોએ પણ વીજયના વિશ્ર્વાસ સાથે મતદાન કર્યું હતું. વોર્ડ નં.1ના ભાજપના ઉમેદવાર ફિરોજભાઇ પતાણી ધોડેસવાર થઇ મતદાન કરવા પહોંચ્યા હતા.

જામનગરમાં મતદાન દરમિયાન કોઇ મોટી ઘટના બની ન હતી. માત્ર કેટલાંક સ્થળોએ ઇવીએમ ખરાબ થવાની તથા ટેકનીકલ ક્ષતિઓ સર્જાઇ હતી. જ્યાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ પોલીસ દોડી ગઇ હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની વર્ષ 2015માં યોજાયેલ ચૂંટણીમાં 56.76 ટકા મતદાન નોંધાયું હતું.

આજેે યોજાયેલી જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોલીસની ચુસ્ત વ્યવસ્થા અને વહીવટતંત્રના માઇક્રોપ્લાનીંગના કારણે મતદારોએ શાંતિપૂર્ણ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 64 ઉમેદવારો માટે 645 મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. વહીવટ તંત્ર દ્વારા શનિવાર રાત સુધીમાં જ તમામ બુથ ઉપર સ્ટાફ અને ઇવીએમ મશીન સહિતની જરૂરી સાધન સામગ્રી પહોંચતી કરવામાં આવી હતી. તો બીજી તરફ પોલીસ દ્વારા આ ચૂંટણીમાં કોઇ અડચણ ઉભી ન થાય તે માટે તમામ બુથ ઉપર ચુસ્ત બંદોબસ્ત શનિવાર રાતથી જ ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજી બાજુ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ ઘોષિત કરાયેલ 300 થી વધુ મથકો ઉપર પોલીસ જવાનોએ કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો. ચૂંટણી કાર્ય પૂર્ણ થઇ ગયા બાદ તમામ મતદાન મથકો ઉપર પ્રિસાઇડીંગ ઓફીસરોએ ઇવીએમ મશીન સીલ કર્યા હતા અને પોલીસ જાપતા હેઠળ આ તમામ ઇવીએમ સ્ટ્રોંગરૂમ ખાતે રખાયા હતા. જામનગરમાં સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી યોજાયું હતું. જો કે કેટલાંક સ્થળોએ 6 વાગ્યા બાદ પણ મતદાન મથકોએ ઉમેદવારોની લાંબી લાઇન હોય તેવા સ્થળોએ મતદાન મથકમાં પ્રવેશી ચુકેલા મતદારો માટે મતદાન પ્રક્રિયા ચાલુ રખાય હતી.

- Advertisement -

જામનગર મહાનગપાલિકાના 16 વોર્ડની 64 બેઠકોના રાજકીય પક્ષો, અપક્ષ ઉમેદવારો મળી 236 ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં સીલ થઇ ગયું છે. આજે શાંતિપૂર્વક રીતે પૂર્ણ થયેલ મતદાનની મતગણતરી મંગળવાર તા.23 ફેબ્રુઆરીના રોજ યોજાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular