જામજોધપુર તાલુકાના સમાણા ગામ નજીકથી પુરઝડપે બેફીકરાઇથી આવતા ડમ્પર ચાલકે બાઈકસવારને હડફેટે લેતા મહિલા સહિત બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના બાવળીદડ ગામમાં રહેતાં ગોગનભાઈ ખાંભલા (ઉ.વ.37) નામના રબારી યુવાન ગત તા.31 ના રોજ સવારના સમયે સમાણા ચેક પોસ્ટ પાસેથી જીજે-10-ડીએન-2767 નંબરના બાઈક પર જતાં હતાં તે દરમિયાન પાછળથી પૂરપાટ આવી રહેલા જીજે-10-ઝેડ-8649 નંબરના ડમ્પરચાલકે આગળ જતી બાઈકને ઠોકર મારી હડફેટે લેતા ચાલક ગોગનભાઈ અને માનશીબેન બંને નીચે પટકાયા હતાં. જેમાં યુવાનને પગમાં અને મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઇ એસ.એચ. જાડેજા તથા સ્ટાફે ઈજાગ્રસ્ત ગોગનભાઈના નિવેદનના આધારે ડમ્પરચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.