જામનગર જિલ્લાના કાનાલુસમાં આવેલા જઊણ સ્ક્રેપ યાર્ડમાં ડમ્પરનું સ્ટીયરીંગ લોક થઈ જતાં થાંભલા સાથે અથડાતા ગંભીર ઈજા પહોંચતા ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હાપાલાખાસર ગામનો વતની અને હાલ લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રાણીશીપ રામાપીર મંદિર પાસે રહેતો વિનુભાઈ માલખીભાઈ છૈયા (ઉ.વ.30) નામનો યુવાન સોમવારે સાંજના સમયે જામનગર જિલ્લાના કાનાલુસ ગામની સીમમાં આવેલા ખાનગી કંપનીના જઊણ સ્ક્રેપ યાર્ડમાં તેનું જીજે-10-ઝેડ-9906 નંબરનું ડમ્પર લઇને પાર્કિંગમાંથી પસાર થતો હતો તે દરમિયાન અચાનક ડમ્પરનું સ્ટીયરીંગ લોક થઈ જતાં જઊણ ના સ્ક્રેપ યાર્ડમાં આવેલા થાંભલા સાથે અથડાતા અકસ્માત થયો હતો.
આ અકસ્માતમાં ચાલક વિનુભાઈને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું બુધવારે સાંજના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મુકેશભાઇ છૈયા દ્વારા જાણ કરાતા હેકો વી.સી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.