પોતાની કમાણીની સુરક્ષાના વિશ્ર્વાસ પર દેશની અર્થવ્યવસ્થા ટકી છે. લોકોના પરિશ્રમથી જ ‘આત્મનિર્ભર’ ભારત બનશે તેવું આર્થિક ક્ષેત્રો પર બજેટ પ્રસ્તાવો અંગે એક વેબિનાર સંબોધતાં વડાપ્રધાને જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દેશમાં નાણાંકીય ક્ષેત્ર અંગે સરકારની દ્રષ્ટિ બિલકુલ સ્પષ્ટ છે.
દેશમાં કોઇ થાપણદાર હોય કે રોકાણકાર, બંને પ્રકારના લોકો પારદર્શકતા અને વિશ્ર્વાસનો અનુભવ કરે એ અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે તેવું તેમણે ઉમેર્યું હતું. મોદીએ કહ્યું કે, આત્મનિર્ભર ભારત માત્ર મોટા ઉદ્યોગો કે મોટાં શહેરોથી નહીં બને નાના શહેરો, ગામડાંઓના લોકોની મહેનતથી પણ બનશે. ભારતના કિસાનોના પરિશ્રમથી આપણો દેશ આત્મનિર્ભર બનશે.