શ્રાવણ માસ દરમિયાન જામનગરના પ્રદર્શન મેદાન ખાતે યોજાયેલા શ્રાવણી લોકમેળામાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા વહેલી સવારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે સવારે ૬ વાગ્યાથી જ મેળાના વિવિધ ફૂડ સ્ટોલ પર આકસ્મિક તપાસ શરૂ કરી હતી. તેમજ વાસી અને અસુરક્ષિત ખાદ્ય પદાર્થો મળી આવતા સ્થળ પર જ નાશ કરાયો.
ચેકિંગ દરમિયાન કેટલાક સ્ટોલ પરથી વાસી તેમજ ખાવા માટે અયોગ્ય જણાયેલા ખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા. આરોગ્યની દૃષ્ટિએ અસુરક્ષિત જણાયેલા આ જથ્થાનો ટીમ દ્વારા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જેમાં ૪૦ કિલો સ્ટીમ ઢોકળા, ૨૦૦ નંગ પાંવ, ૨ કિલો દહીં, ૧૦ કિલો વાસી ચટણી તેમજ ૨ કિલો બળી ગયેલું અને બિનઉપયોગી ખાદ્ય તેલનો સમાવેશ થાય છે.
View this post on Instagram
મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા મેળામાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા તમામ ફૂડ બિઝનેસ ઓપરેટર્સને વાસી કે અસ્વચ્છ ખોરાકનું વેચાણ ન કરવા માટે કડક તાકીદ કરવામાં આવી છે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને યોગ્ય સંગ્રહ અંગે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરી વાસી, અસ્વચ્છ અથવા અસુરક્ષિત ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનાર સામે નિયમોનુસાર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. મેળામાં આવતા નાગરિકોના આરોગ્ય સાથે કોઈ બાંધછોડ ન થાય તે માટે ફૂડ સ્ટોલ પર સતત નજર રાખવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શ્રાવણી મેળા દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા હોવાથી નાગરિકોને સ્વચ્છ, હાઇજેનિક અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે તંત્ર દ્વારા નિયમિત ચેકિંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


