જામનગરના ગુજસીટોકમાં રાજ્યની જુદી જુદી જેલમાં રહેલાં પાંચ આરોપીઓ દ્વારા સુપ્રિમ કોર્ટમાં કરાયેલી જામીન અરજી મંજૂર કરવામાં આવી છે. જેના આધારે કોર્ટના આદેશ મુજબ આગામી સમયમાં આ પાંચ આરોપીઓને જામીન મુકત કરવામાં આવશે.
આ અંગેની વિગત મુજબ, જામનગરના ચકચારી ગુજસીટોક પ્રકરણમાં પાંચ આરોપીઓના સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મંજૂર થયા છે. ગુજસીટોકના આરોપી જામનગર શહેરનાં જાણીતા બિલ્ડર નીલેશ ટોલિયા, યશપાલસિંહ જાડેજા, જશપાલસિંહ જાડેજા, વકીલ માનસત્તા અને જીમ્મી આડતિયા સહિતના પાંચ આરોપીઓનો જામીન પર છૂટકારો થશે. અનેક વખત હાઇકોર્ટમાં જામીન અરજી કરવા છતાં વારંવાર તેઓની અરજી રદ્દ કરવામાં આવી હોય ત્યારે આખરે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજી માન્ય રાખતાં પાંચ આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, જામનગરમાં ખંડણી, જમીન પચાવી પાડવી, ફાયરિંગ કરવા, હત્યાની કોશિષ કરવી, ખોટા દસ્તાવેજો બનાવી લોકોની જમીન ઉપર કબજો કરવા જેવી અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓ જામનગર સહિત સૌરાષ્ટ્ર અને રાજ્યભરમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા ભૂમાફિયા જયેશ પટેલ અને તેના દોઢ ડઝન જેટલા સાગરિતો સામે આ ગુના હેઠળ ગત તા. 15 ઓકટોબર-2020માં જામનગર સિટી એ-ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુના સબબ 15 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેઓને અલગ-અલગ જેલમાં મોકલી દેવામાં આવ્યાં હતાં.
દરમિયાન રાજ્યની અલગ-અલગ જિલ્લા જેલમાં રહેલા ગુજસીટોકના આરોપીઓ દ્વારા અગાઉ અનેક વખત ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટે અરજીઓ કરવામાં આવી હતી હાલમાં જ જામનગરના જાણીતા બિલ્ડર નીલેશ ટોલિયા અને એડવોકેટ વસંત માનસત્તા, જશપાલસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા અને જીમ્મી આડતિયા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણીમાં આરોપીઓના વકીલની દલીલના આધારે સુપ્રીમ કોર્ટ દ્વારા પાંચેય આરોપીઓની જામીન અરજી ગ્રાહ્ય રાખવામાં આવતાં તેઓને જામીન પર મુકત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.