જામનગર શહેરની જી. જી. હોસ્પિટલમાં સોમવારે પોલીસ દ્વારા એકાએક ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેર ડીવાયએસપીના નેજા હેઠળ એલસીબી-એસઓજી અને શહેરના પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા દરેક વિભાગમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગરની જી. જી. હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોએ સાથે અનેક વખત મારામારી તથા બોલાચાલીની ઝઘડાની ઘટનાઓ બની ગઈ છે અને હાલમાં કલકતામાં બનેલી ઘટનાએ સમગ્ર દેશની હોસ્પિટલોમાં સુરક્ષા વ્યવસ્થાના નામે અનેક સવાલો ઉભા થઈ ગયા હતાં ઉપરાંત જામનગરની હોસ્પિટલમાં હુમલા થવાની ઘટના પણ બની ગઇ છે. જેના પગલે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, એલસીબી, એસઓજી, સિટી એ, બી, સી ડીવીઝનના પોલીસ ઈન્સ્પેકટરો તથા સ્ટાફ દ્વારા સોમવારે સાંજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં એકાએક કરાયેલા ચેકિંગથી લોકોમાં અનેક તર્કવિર્તકો થઈ રહ્યા હતાં.
જોકે, જી. જી. હોસ્પિટલમાં પોલીસ વિભાગ દ્વારા હાથ ધરાયેલા ચેકિંગથી તબીબો અને દર્દીઓ તથા તેમના સગાઓમાં રાહત પણ થઈ હતી. ઉપરાંત સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં અસામાજિક તત્વોની ગુનાખોરી અટકાવવા માટે આ પ્રકારનું ચેકીંગ સમયાંતરે કરવામાં આવશે અને શહેરને અસામાજિક તત્વોથી દૂર રાખવા માટે પોલીસ હંમેશા પ્રજાની સાથે જ છે તેમ ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું.