જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના આણંદા ગામે થતી રેતી ચોરી અટકાવવા આણંદા તથા કુન્નડ ગામના ગ્રામજનો દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યું છે કે, આણંદા ગામના સરપંચના પુત્ર ધર્મેન્દ્રભાઇ ભંડેરી દ્વારા ત્રણેક વર્ષથી બેફામ રેતી ચોરી કરતાં હતાં અને છેલ્લા વિશેક દિવસથી ઉંડ નદીના કાંઠા વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરે છે. ગતવર્ષે અતિવૃષ્ટિમાં નદીના કાંઠા વિસ્તારોનું ધોવાણ થતાં સરકાર દ્વારા પાકાપારા બાંધવાની કાર્યવાહી ચાલુ હોય, બેફામ રેતી ચોરીના કારણે નદીનો પ્રવાહ ડાયવર્ડ થઇ શકે એમ હોય, આણંદા ગામની તથા કુન્નડ ગામની જમીનોનું ધોવાણ થાય તેમ હોય. આથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા અને રેતી ચોરી અટકાવવી કડક પગલા લેવા ગામના ખેડૂતો દ્વારા માગણી કરવામાં આવી છે.