જામનગર શહેરના સાત રસ્તા પાસેથી પસાર થતી મહાનગરપાલિકાની કચરાના ટ્રકએ બસને ઠોકર મારી નુકશાન પહોંચાડયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર મહાનગરપાલિકાના કચરાના વાહનો અવારનવાર અકસ્માત તથા અન્ય કારણોસર ચર્ચામાં રહે છે. જ્યારે મહાનગરપાલિકાના કચરાના ટ્રક નંબર જીજે10 ટીવાય 6181 નંબરના વાહનના ચાલકે ગત્ તા. 20ના રોજ સાંજના સમયે સાત રસ્તા પાસે પુલ નીચે તેનો ટ્રક બેફિરાઇપૂર્વક અને પુરઝડપે રિવર્સમાં લેતો હતો ત્યારે જીજે18 ઝેડટી 2652 નંબરની સરકારી એસટી બસને આગળના ભાગે ઠોકર મારી અકસ્માત નિપજાવ્યો હતો. આ અકસ્માતના કારણે બસના આગળના ભાગનો કાચ તૂટી જતાં રૂા. 40 હજારનું નુકશાન પહોંચ્યું હતું. અકસ્માત બાદ એસટી બસના ચાલક બાબુભાઇ હીરાભાઇ ભરવાડ દ્વારા સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મહાનગરપાલિકાના કચરાના ટ્રક જીજે10 ટીવાય 6181ના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એએસઆઇ પી. કે. વાઘેલા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.


