જામનગરની જી. જી. હોસ્પિટલના મેડીકલ કેમ્પસમાં રહેતાં અને અને એસઆઈ તરીકે ફરજ બજાવતા યુવાન કર્મચારીએ તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ, તપાસ દરમિયાન શંકા જતાં હત્યાનો બનાવ છે કે આત્મહત્યાનો ? તે દિશામાં પણ તપાસ આરંભી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગરની જી. જી. હોસ્પિટલમાં મેડીકલ કેમ્પસ બ્લોક નં.28 માં રહેતાં એસઆઈ તરીકે ફરજ બજાવતા ઈમરાનશા ફારુકશા શામદાર (ઉ.વ.28) નામના યુવાને રવિવારે મધ્યરાત્રિના સમયે તેના ઘરે પંખાના હુકમાં ચાદર વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પત્ની સાયનાબેન દ્વારા જાણ કરાતા હેકો જે.એચ. મકવાણા તથા સ્ટાફે સ્થળ પર દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરી હતી.
પોલીસને પ્રાથમિક તપાસમાં શંકા જણાતા પત્નીની પૂછપરછ કરતા તેણે દંપતી વચ્ચે ફોન મૂકી જવાની બાબતે બોલાચાલી થતાં માઠું લાગી આવતા આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું પરંતુ પોલીસને આ બનાવમાં આત્મહત્યા અંગે શંકા જણાતા પોલીસે જીણવટ ભરી તપાસ હાથ ધરી બનાવ આત્મહત્યાનો જ છે કે અન્ય કોઇ કારણથી ? તે અંગેની તપાસ હાથ ધરી હતી.