જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી તીનપતિનો જૂગાર રમતા ત્રણ મહિલા સહિત સાત શખ્સોને પોલીસે રૂા.77,850 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના રણજીતનગર વિસ્તારમાં જૂના હુડકોના મકાનમાંથી ઘોડીપાસાનો જૂગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રૂા.15,600 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરના શંકરટેકરી ઈદ મસ્જિદ પાસે સાગર કાંતિ ગઢવી નામના શખ્સના મકાનમાંથી જૂગાર રમતા સાગર કાંતિ ગઢવી, શંકર વીરા પરમાર, સુરેશ નારણ ઠાકેડા, જીતુ બુધા સોલંકી અને ત્રણ મહિલા સહિત સાત શખ્સોને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.47,850 ની રોકડ રકમ અને એક બાઇક મળી કુલ રૂા. 77,850 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં રણજીતનગર જૂના હુડકો મકાન નંબર 1070 મા બહારથી માણસો બોલાવી ઘોડીપાસાનો જૂગાર રમાડાતો હોવાની હેકો સુખદેવસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા અને જયપાલસિંહ ડોડિયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.જે. ચાવડા, પીએસઆઈ આર ડી ગોહિલ, હેકો સુખદેવસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, પો.કો. જોગીન્દ્રસિંહ પાલ, જયપાલસિંહ ડોડિયા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન વિપુલ લાલશંકર લવા, વિજયસિંહ દેવુભા રાઠોડ, નરેશ રેણુમલ તખતાણી, અલ્કેશ રામજી થદોડા, અને કમલેશ જયેશ ઉપાધ્યાય નામના પાંચ શખ્સોને ઝડપી લઇ રૂા.15600 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લીધા હતાં.