સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ વિભાગના ઉપક્રમે જામનગરની ભવન્સ શ્રી એચ.જે. દોશી કોલેજ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર-કોલેજ ચેસ ટૂર્નામેન્ટ-2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે અને સમગ્ર ભવન્સ કેમ્પસમાં રમતગમતનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ ટૂર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કુલ 61 કોલેજોના 136 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જેમાં 78 વિદ્યાર્થી ભાઈઓ અને 58 વિદ્યાર્થી બહેનોનો સમાવેશ થાય છે. રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી ખેલાડીઓ જામનગર પહોંચ્યા છે અને પોતાની બુદ્ધિ, એકાગ્રતા તેમજ વ્યૂહાત્મક કૌશલ્યના આધારે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.
ચેસ જેવી બુદ્ધિપ્રધાન રમત વિદ્યાર્થીઓમાં નિર્ણયશક્તિ, ધીરજ, આયોજન અને એકાગ્રતા વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ટૂર્નામેન્ટ માત્ર સ્પર્ધા પૂરતી સીમિત નથી, પરંતુ યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાનું અને ઉચ્ચ સ્તરની સ્પર્ધાઓ સુધી પહોંચવાનું મહત્વપૂર્ણ મંચ પણ પૂરું પાડે છે.
View this post on Instagram
આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિજેતા ખેલાડીઓ આગામી દિવસોમાં રાજસ્થાન ખાતે યોજાનારી ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન ચેસ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે. તેથી દરેક ખેલાડી માટે આ ટૂર્નામેન્ટનું વિશેષ મહત્વ રહેલું છે.
આયોજકો દ્વારા ખેલાડીઓ માટે ઉત્તમ આયોજન, સુવિધાઓ અને રમતને અનુરૂપ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. સ્પર્ધા દરમિયાન ખેલાડીઓમાં ઉત્સાહ, રમતિયાળ ભાવના અને શિસ્તનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી રેવાભાઇ જાડેજા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રતિનિધિઓ તેમજ વિવિધ કોલેજના પ્રધ્યાપકો અને કોચ ઉપસ્થિત રહ્યા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓને વધુ સારી તકો મળે અને તેમની પ્રતિભાને યોગ્ય મંચ પ્રાપ્ત થાય તેવા હેતુથી દર વર્ષે વિવિધ આંતર-કોલેજ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. જામનગરમાં યોજાયેલી આ ચેસ ટૂર્નામેન્ટ પણ તે જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે અને ખેલાડીઓમાં નવી ઊર્જા તથા આત્મવિશ્વાસનો સંચાર કરી રહી છે.


