- Advertisement -
ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે રહેતા વૃદ્ધ ખેડૂતના રહેણાંક મકાનમાં ઘુસી આવેલા એક શખ્સે આ ઘરમાં રાખવામાં આવેલો રૂપિયા 4.11 લાખની રોકડ રકમ તથા દાગીના મળી કુલ 5.31 લાખના મુદ્દામાલ સાથેનો ડબ્બો ચોરી કરીને લઇ ગયા હોવાની ધોરણસર ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા-દ્વારકા હાઈ-વે પર અત્રેથી આશરે 18 કિલોમીટર દૂર આવેલા સોનારડી ગામે રહેતા અને ખેતના વ્યવસાય સાથે સંકળાયેલા દાજીભા જાલમસંગ જાડેજા નામના ક્ષત્રિય વૃદ્ધના ખેતરમાં ઉગેલા કપાસનું વેચાણ તેમના દ્વારા એક વેપારીને કરવામાં આવ્યું હતું. જે બદલ તેમને શુક્રવારે સાંજે છ વાગ્યે રૂપિયા 4.11 લાખની રોકડ રકમ મળી હતી.
આ દિવસે તેઓએ ઉપરોક્ત રોકડ રકમ તેમજ રૂપિયા 90 હજારની કિંમતનો ત્રણ તોલાનો પટ્ટીચેન તથા રૂપિયા 30 હજારની કિંમતની સોનાની એક તોલાની વીંટી મળી કુલ રૂપિયા 5.31 લાખના મુદ્દામાલ ભરેલો ડબ્બો તેઓએ તેમના ઘરમાં પતરાના ડબ્બામાં લોક મારીને રાખ્યો હતો.
શુક્રવારે રાત્રીના સમયે દાજીભા જાડેજા તથા તેમના પત્ની દક્ષાબા સુતા હતા, ત્યારે મધરાત્રે આશરે પોણા બે વાગ્યે ઉપરોક્ત મુદ્દામાલ સાથેનો ડબ્બો કોઈ શખ્સ લઈને જતો હોવાનું તેમના પત્ની દક્ષાબાના ધ્યાને આવ્યું હતું. આથી તાકીદે તેણીએ દાજીભાને ઉઠાડ્યા હતા અને દાજીભાએ કાળા કલરનું આખી બાંયનું ટી-શર્ટ પહેરેલા આ શખ્સને ઝડપી લેવા પાછળ દોટ મૂકી હતી. પરંતુ આ અજાણ્યો શખ્સ ખેતરના શેઢેથી રાત્રિના અંધારામાં ઓગળી ગયો હતો.
બાદમાં તેમણે તેમના પુત્રોને ઉઠાડી, આ સમગ્ર ઘટના અંગે સ્થાનિક આગેવાનો ભીખુભા દજુભા જાડેજાને માહિતગાર કરતા આ સમગ્ર ઘટના અંગે અહીંની પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ, વિવિધ દિશામાં તપાસ આરંભી હતી. ચોરીની આ ઘટનામાં કોઈ જાણભેદુ હોવાની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઈ.પી.સી. કલમ 380, 450 મુજબ ગુનો નોંધી, જરૂરી તપાસ હાથ ધરી છે. આરોપીને ઝડપી લેવા ડોગ સ્કવોડ તથા એફ.એસ.એલ.ની સેવાઓ પણ લેવામાં આવી હતી. પરંતુ કોઇ નોંધપાત્ર પગેરું મળ્યું ન હતું.
- Advertisement -